Ahmedabad,તા.06
પતિ-પત્ની ઔર `વો’ના કિસ્સા સમાજમાં વધતા જાય છે અને કયારેક તે ગંભીર અપરાધમાં પણ બદલાઈ જાય છે તે સમયે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ પ્રકારે આવેલા એક કેસમાં પતિની ગર્લફ્રેન્ડ સામે પત્નીએ ભારતીય ફોજદારી ધારાની કલમ 498 (ક્રુરતા) ધારા 406 (વિશ્વાસનો અપરાધીક ભંગ) તથા ધારા 506(2) (ડરાવવું-ભય સર્જવો) હેઠળ કરેલી તમામ ફરિયાદો રદ કરવા સાથે કહ્યું હતું કે, `ગર્લફ્રેન્ડ’ એ રીલેટીવની વ્યાખ્યામાં આવતી નથી. તેથી તેની સામે ફોજદારી ધારાની કલમ 498 એ હેઠળ ફરિયાદ થઈ શકે નહી.
અમદાવાદ સીટી પોલીસ પશ્ચિમ મહિલા સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ હતી. પત્નીએ આ તમામ કલમો હેઠળ તેના પતિની ગર્લફ્રેન્ડ સામે કાનુની કાર્યવાહીની માંગણી કરી હતી પણ હાઈકોર્ટ તેની સામેની અપીલમાં પ્રથમ તબકકે જ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ભારતીય ફોજદારી ધારાની કલમ 498 એ હેઠળ ગર્લફ્રેન્ડ એ રીલેટીવ (સંબંધી)ના વ્યાખ્યામાં આવતા નથી.
આ ધારા હેઠળ ફકત લોહીના સંબંધો ધરાવતા કે લગ્નથી થતા સંબંધોમાં કામ ચલાવી શકાય છે. જસ્ટીસ જે.સી.દોશીએ આ કેસની સુનાવણી સમયે સર્વોચ્ચ અદાલતે ધારા 498 એ ની જે વિસ્તૃત વ્યાખ્યા કરી હતી તેને આધાર બનાવ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે આઈ.એમ.કૌશિક વિ. યુ.સુવેથા કેસમાં એ ચકાસણી કરી હતી કે શું ગર્લફ્રેન્ડને રીલેટીવ (સંબંધી) ની વ્યાખ્યામાં લઈ શકાશે! ખાસ કરીને કલમ 498 એ સંદર્ભમાં આ ચકાસણી થઈ હતી.
હાઈકોર્ટે જણાવ્યું કે, ગર્લફ્રેન્ડ શબ્દ આ ધારાની હેઠળ આવતો નથી. આ સંદર્ભ ફકત લોહીના સંબંધો, લગ્ન સંબંધો કે દતક પ્રક્રિયા હેઠળ જે સંબંધી બને છે તે આવે છે. હાઈકોર્ટે નોંધ્યું કે, મહિલા જેની સાથે પુરુષને લગ્ન બહારના રોમાન્ટીક-સેકસ્યુઅલ સંબંધો છે તેમાં મહિલાને રીલેટીવની વ્યાખ્યામાં લઈ શકાય નહી.
જો કે હાઈકોર્ટે ગર્લફ્રેન્ડ સામે જે 498 એ મુજબ ફરિયાદ કરવામાં આવી હતી તે અન્ય કોઈ કાનૂન હેઠળ કામ ચલાવી શકાય કે કેમ તે ચકાસ્યુ હતું પણ જવાબ નકારાત્મક આવ્યો હતો. જયારે કલમ 406-506 (2) વિ.હેઠળ ફરિયાદ થઈ હતી. તેમાં કોઈ વિચારણા કરી શકાય તેવા પુરાવા મળ્યા ન હતા.

