New Delhi, તા.11
કેન્દ્ર સરકારે જીએસટી સ્લેબ-ટેકસમાં ધરખમ સુધારા-કાપ મુકયા બાદ તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નાણાં તથા કરવિભાગના અધિકારીઓની ખાસ ટીમો બનાવવામાં આવી છે.
આ ટીમો જુની અને નવી કિંમતો પર દેખરેખ રાખશે. કંપનીઓ-ઉત્પાદકોએ ટેકસ આધારિત કિંમતમાં ઘટાડો કર્યો છે કે કેમ તેની ચકાસણી કરશે અને તેના આધારે કાર્યવાહી કરશે.
કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે, જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે નાણાં મંત્રાલય સ્તરે જ ખાસ મુસદો-એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ મામલે ખુદ નાણામંત્રી નિર્મલા સીતારામન આવતા દિવસોમાં વેપાર-ઉદ્યોગ પ્રતિનિધિમંડળો સાથે બેઠક યોજીને ચર્ચા કરશે. આ બેઠકોમાં ટેકસ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાની તાકીદ કરવામાં આવશે.
નાણાંવિભાગ-ટેકસ અધિકારીઓની ટીમો માર્કેટમાં જ ઉતરી પડશે અને ટેકસ કાપના ધોરણે જુદી-જુદી પ્રોડકટમાં ભાવ ઘટાડો થયો છે કે કેમ તેની ચકાસણી કરશે. નાના અને મધ્યમવર્ગ સૌથી વધુ ઉપયોગ કરતો હોય તેવી રોજીંદી વપરાશની ચીજોના ભાવ પર ખાસ વોચ રખાશે. મોટાભાગની આવી પ્રોડકટ પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા કંપનીઓને જુના સ્ટોક પરના ભાવ સ્ટીકર નવા લગાવવાની છુટ્ટ આપી છે છતાં તેમાં નવા ઉપરાંત જુના ભાવના સ્ટીકર પણ યથાવત રાખવા કહેવાયુ છે જેથી કેટલો ભાવઘટાડો થયો તે વિશે સરકાર અને લોકો વાકેફ રહી શકે.
લોકોની સરળતા માટે સરકાર દ્વારા ખાસ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યુ છે તેના આધારે પ્રોડકટમાં કેટલો ઘટાડો થયો છે અને કેટલી બચત થઈ છે તે જાણી શકાશે. જુની અને નવી કિંમતનુ અંતર મેળવી શકાશે.
કેન્દ્ર સરકારે જીએસટીમાં સુધારા કર્યા છે તેની જુદા-જુદા ક્ષેત્રોની 375 પ્રોડકટ પર અસર થઈ શકે તેમ છે. આ ઘટાડાનો લાભ આમ આદમી- ગ્રાહકો સુધી પહોંચે તે પડકારજનક છે અને તેને પહોંચી વળવા માટે સરકાર તૈયારી કરી રહી છે.