ઉર્ષમાંથી પરત ફરતી વખતે સ્ટંટબાજી કરી : વીડિયો વાયરલ થતા તાલુકા પોલીસે કરી કાર્યવાહી
Dhoraji,તા.31
ધોરાજી પાસે રાજકોટ- પોરબંદર હાઇવે પર રાત્રીના બે બાઈકચાલક જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે ધોરાજી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી સ્ટંટ કરનાર બંને ગોંડલ પંથકના બે શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે જાતે ફરિયાદી બની બંને સામે ગુનો નોંધી તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. ધોરાજીમાં ખ્વાજા બાપુનો ઉર્ષ હોય જ્યાં આવ્યા બાદ પરત ફરતે આ બંને સ્ટંટબાજી કરતા હતા.ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર દિવ્યરાજસિંહ પઢીયાર દ્વારા નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવાઝ દિલાવરભાઈ પઠાણ (રહે. વોરાકોટડા રોડ હુડકો વિસ્તાર, ગોંડલ) અને રાહુલ ભુપતભાઈ કુવડીયા (રહે. ભોજપરા તા. ગોંડલ) ના નામ આપ્યા છે.હેડ કોન્સ્ટેબલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના 11:00 વાગ્યા આસપાસ તેઓ પોલીસ સ્ટેશન હતા ત્યારે જાણવા મળ્યું હતું કે, ધોરાજી રાજકોટ પોરબંદર હાઇવે પર બે શખસો બાઇક પર સ્ટંટ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, ધોરાજી ખાતે ખ્વાજા બાપુનો ઉર્ષ હોય જે પ્રસંગે તારીખ 28/9 ના રાત્રીના આશરે 12:30 થી 1:00 વાગ્યાના અરસામાં ધોરાજી રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર ભૂતવડ પાટિયા પાસેથી લઈ ધોરાજી જામકંડોરણા ચોકડી સુધી ગોંડલમાં રહેતો નવાઝ પઠાણ પોતાનું બાઈક નંબર જજે 3 પીબી 0420 તથા ભોજપરા ગામમાં રહેતો રાહુલ કુવડીયા પોતાનું બાઈક નંબર જીજે 3 એનડી 5014 લઈ બંને શખસ રોડ પર અન્યની જિંદગી અથવા શારીરિક સલામતી જોખમાય તે રીતે બાઇક ચલાવી રોડ પર સ્ટંટ કરતા હોય ત્રાસ થાય તેવું કૃત્ય આચર્ચું હોય અને તેનો વિડીયો રેકોર્ડિંગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
જેથી આ મામલે ધોરાજી પોલીસે આ બંને શખસો નવાજ પઠાણ અને રાહુલ કુવડીયાને ઝડપી લઇ બંનેને પોલીસે કાયદાનું ભાન કરાવી તેમના સીન વીંખી નાખ્યા હતા.




