Mumbai, તા. 20
અભિનેતા સૈફ અલી ખાનના કેસમાં સતત અપડેટ્સ પ્રકાશમાં આવી રહ્યા છે. બાંદ્રા કોર્ટમાં રવિવારે તો એક રસપ્રદ ઘટના ઘટી, જે જાણીને નવાઈ લાગે કે હુમલાખોર માટે આટલી ખેંચતાણ શા માટે કરવામાં આવી રહી છે.
રવિવારે સવારે પોલીસે થાણેથી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદની ધરપકડ કરી હતી, તે 16 જાન્યુઆરીની સવારે ચોરીના ઇરાદે અભિનેતાના બાંદ્રા એપાર્ટમેન્ટમાં ઘુસ્યો હતો અને તેના પર ચાકુથી વાર કર્યો હતો.પોલીસને શંકા છે કે શહઝાદ બાંગ્લાદેશી છે. રવિવારે બપોરે તેને બાંદ્રામાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
શહઝાદનો આ કેસ લડવા બે વકીલો આવ્યા હતા. બન્યું એવું કે શહઝાદ વકાલતનામા પર સહી કરવા ગયો ત્યાં એક વકીલ આરોપીની નજીક પહોંચી ગયો અને વકાલતનામા પર બળજબરીથી સહી લીધી. જેના કારણે આ કેસ કયો વકીલ લડશે તે મામલે અસંમજસ ઊભી થઈ. મેજિસ્ટ્રેટે બંને વકીલોને શહઝાદ માટે કેસ લડવાની સલાહ આપી.
સૈફના કેસમાં ઘણા નવા નવા પન્ના ખુલી રહ્યા છે. આ માત્ર ચોરીનો પ્રયાસ નહીં પણ આંતરાષ્ટ્રીય ગુનાખોરીનો ભાગ હોવાનું પોલીસને જણાઈ રહ્યું છે. જોકે એક બાંગ્લાદેશી હુમલાખોર માટે બે વકીલો આ રીતે લડે તે પણ આશ્ચર્ય જગાડનારી વાત છે.