Dwarka, તા.8
હાલમાં સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ લંબાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. ત્યારે સરકાર દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓને નર્મદાના નીર તેમજ 10 કલાક વિજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉતરાંત જરૂર પડ્યે ઉત્તર ગુજરાતમાં પણ સુઝલામ સુફલામ યોજના અંતર્ગત પાણી આપવાની જાહેરાત કરાઈ છે.
રાજયમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિ જોતાં ગાંધીનગરમાં મળેલી કેબીનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાતા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાતા ખેડૂત આગેવાનોની રજૂઆતો આધારે રાજ્ય સરકારે સમીક્ષા બાદ ખેડૂતોને હાલાકી ન પડે અને સિંચાઈનું પાણી મળી રહે તેવો નિર્ણય લેતાં સૌની યોજના અંતર્ગત નર્મદાના વધારાના પાણીમાંથી જથ્થો આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે આઠ કલાકને બદલે દસ કલાક વિજળી પણ આપવામાં આવનાર છે.
જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ એમ કુલ 11 જિલ્લાઓને નર્મદાના વધારાના નીર તેમજ દિવસનો 10 કલાક વિજ પુરવઠો આપવામાં આવનાર છે. ઉતર ગુજરાતમાં પણ જરૂર જણાયે વધારાનું પાણી વિતરણ કરવાની જાહેરાત કરાઈ છે. સરકારની આ જાહેરાતથી ખાસ કરીને ધરતીપુત્રોમાં રાહતની લાગણી પ્રસરી જવા પામી છે.