Rajkot, તા.20
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની રાજ્યભરની ૧૧ જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ (જીકાસ) મારફત પ્રવેશ આપવાની પ્રક્રિયા તા.૯ થી ૧૮ મે દરમિયાન યોજવાની હતી. પરંતુ ઓછા રજીસ્ટ્રેશન અને ધોરણ ૧૨ ની માર્કશીટ વગર વેરિફિકેશન શકય ન હોવાનુ જણાતા સરકારે રજીસ્ટ્રેશનની મુદતમાં આગામી તા.૨૧ ને બુધવાર સુધીનો વધારો કર્યો છે.
મુદત વધારો કરાયો તો પહેલાની સ્થિતિ જોઈએ તો ૧૧ યુનિવર્સિટીમાં બે લાખ આઠ હજાર વિદ્યાર્થીઓએ કવીક રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ અને તેમાંથી ૧,૨૨,૬૧૯ વિદ્યાર્થીઓએ કોલેજ તથા પ્રોગ્રામની પસંદગી કરી હતી. કવીક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૨૫ માર્ચથી શરૂ કરવામાં આવી અને હતી અને તેથી સ્વાભાવિક રીતે તેમા થોડુ વધારે રજીસ્ટ્રેશન થયુ છે. પરંતુ કોલેજ અને પ્રોગ્રામની પસંદગીનુ પ્રમાણ ઓછુ રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો અહીં ગુજરાત બોર્ડ અને અન્ય બોર્ડમાંથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૮૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ પાસ કરી છે. પરંતુ રજીસ્ટ્રેશન માત્ર ૧૫,૦૦૦ નુ થયુ હતુ. ૧૧૭ કોલેજ એવી છે કે ત્યાંથી એક પણ ફોર્મ ભરાઈને આવ્યું ન હતુ. આ પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં મુદત વધારો કર્યો છે.