Maharashtra,તા.5
મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટા બદલાવ જેવા સંકેતમાં 20 વર્ષ બાદ પ્રથમ વખત ઠાકરે ફેમીલીના બે વરિષ્ઠ બંધુઓ ઉધ્ધવ ઠાકરે તથા રાજ ઠાકરે આજે પ્રથમ વખત સ્ટેજ પર આવ્યા હતા અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને ભાજપ નેતૃત્વની સરકારને સીધો પડકાર ફેંકતા કહ્યું કે, તમારી પાસે વિધાનસભામાં સતા હશે તો અમારી પાસે શેરીઓની સતા છે.
મહારાષ્ટ્રમાં ત્રિભાષી ફોર્મ્યુલા લાગુ કરવાના નિર્ણય પાછો ખેંચવાની રાજય સરકારને પડેલી ફરજમાં આજે વિજય દિવસ મનાવતા ઉધ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બન્ને પોતાના પરિવારો અને તેમના હજારો સમર્થકો સાથે 20 વર્ષ બાદ પ્રથમ વખત એક સાથે નજરે ચડયા હતા. અને તેમની સાથે પુરો ઠાકરે પરિવાર એક મંચ પર દેખાયો હતો.
શિવસેનાના ગઢ સમાન વરલીમાં બન્નેએ હાજર રહેલા શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના હજારો કાર્યકર્તાઓને સંયુકત રીતે સંબોધન કર્યુ હતું અને રાજ ઠાકરેએ કહ્યું કે આજે 20 વર્ષ બાદ હું અને ઉધ્ધવ એક સાથે છીએ જે કામ બાલાસાહેબ ન કરી શકયા તે દેવેન્દ્ર ફડનવીસે અમે બન્નેને સાથે લાવવાનું કર્યુ છે.
મહારાષ્ટ્રની શાળાઓમાં ધો.1થી 5માં હિન્દી ભણાવવા સામેના વિરોધના મુદે સરકાર સામે જબરો બુંગીયો ફુંકયા બાદ ફડનવીસ સરકારે હાલ તુરત તેમનો જ આ નિર્ણય મુલત્વી રાખ્યો છે. આ અંગે રાજ ઠાકરેએ કહ્યું કે અમને હિન્દી સામે કોઈ વિરોધ નથી કોઈપણ ભાષા ખરાબ નથી તેને બનાવવામાં મહેનત થાય છે.
પરંતુ જયારે અમારા ઉપર હિન્દી લાદવાનું શરૂ કર્યુ અને એ પારખવાની કોશિષ કરી કે જો અમે તેનો વિરોધ ન કરીએ તો તેઓ મુંબઈને પણ મહારાષ્ટ્રથી અલગ કરી દેશે. હું પોતે મરાઠી સ્કૂલમાં ભણ્યો છું પરંતુ મારા પિતા અને કાકા બન્ને અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે પણ અમારા મરાઠી પ્રેમ કોઈ પ્રશ્ન ઉઠાવી શકતું નથી.
શિવસેના (યુબીટી)ના વડા ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે સાથે રહેવા જ આવ્યા છીએ અને સાથે જ રહેશું. તેઓએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે, આ પક્ષે યુઝ એન્ડ થ્રોની નિતી અપનાવી છે. હિન્દુત્વ કોઈનો એકાધીકાર નથી અને અમે મુળ હિન્દુ જ છીએ અમને હિન્દુ ધર્મ શિખવાડવાની જરૂર નથી.
મુંબઈના 1992ના રમખાણમાં હિન્દુઓને બચાવ્યા હતા. તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડનવીસ કહે છે કે ગુંડાગીરી સહન નહીં કરીએ પરંતુ જો ભાષા માટે લડવું ગુંડાગીરી છે તો અમે ગુંડા છીએ. અમારા ઉપર હિન્દી ઠોકવાનો પ્રયાસ થશે તે સાખી લેશે નહીં તમારી 7 પેઢી ખતમ થઈ જાય તો પણ અમે આવું નહીં થવા દઈ.
જેને ફટકાર્યો તેના માથે થોડું લખ્યું હતું કે તે ગુજરાતી છે? રાજ ઠાકરે
હવે આવું કરો ત્યારે વિડિયો ન બનાવતા : કાર્યકર્તાઓને સલાહ
મુંબઈમાં મરાઠીમાં નહીં બોલનાર એક ગુજરાતી વ્યાપારીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ માર માર્યો તેનો ઉલ્લેખ કરતા આ પક્ષના વડા રાજ ઠાકરે એવી દલીલ કરી હતી કે મીરા રોડ પર જેને માર મરાયો તેના માથા ઉપર થોડુ લખ્યુ હતું કે તે ગુજરાતી છે અમે હજુ કશું કર્યુ પણ નથી.
કારણ વગર મારામારીની જરૂર નથી પણ જો કોઈ નાટક કરશે તો કાનની નીચે બજાવવી જ પડશે. હવે ધ્યાન રાખજો અને આવું કરો ત્યારે વિડિયો ન બનાવતા તેવી સલાહ તેમના કાર્યકર્તાઓને આપી હતી.