Ahmedabad, તા.5
ગુજરાતી સિનેમા આજે ધૂમ મચાવી રહ્યું છે. થિયેટરમાં લાગેલ વશ લેવલ 2 અને બચુની બહેનપણી જેવી ફિલ્મો ધમાલ કરી રહી છે ત્યારે હવે જુની ગુજરાતી સિનેમાને પછી લાવવા એક સમયની સુપર હિટ ફિલ્મ ફરી રિલીઝ થવા જઈ રહી છે.
હિતેશ કુમારની સુપર હિટ ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ 25 વર્ષ બાદ થિયેટરમાં રિલીઝ થશે. આજથી લોકો પોતાની જુની યાદો તાજા કરશે અને તેમનાં ફેવરીટ ગુજરાતી સુપર સ્ટારને સ્ક્રીન પર નિહાળશે.
આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ 25 વર્ષ પહેલાં આવી હતી. આ ફિલ્મ એટલી સુપર ડુપર રહી હતી કે 52 સપ્તાહ સુધી ચાલી હતી અને હજુ વધારે ચાલી શકે તેમ હતું. પરંતુ બીજી ફિલ્મોને તક મળે એના માટે આ ફિલ્મ ઉતારી લેવામાં આવી હતી. એ જમાનામાં આ ફિલ્મ જોવા માટે લાઇનો લાગતી અને લોકો બ્લેકની ટિકીટ ખરીદીને ફિલ્મ જોવા જતા.
ફિલ્મ એટલી સંવેદનશીલ બનાવવામાં આવી હતી કે પ્રેક્ષકો ચોધાર આંસુએ રડતા અને છેલ્લાં ક્લાઇમેક્સમાં તો મહિલાઓ બેભાન થઇ જતી હોવાના બનાવો પણ અનેક સિનેમાઘરોમાં બનેલા. હવે ફરી એક વાર આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે આવી રહી છે અને 12 સપ્ટેમ્બર 2025ના દિવસે રિલીઝ થવાની છે.
કોઇ ગુજરાતી ફિલ્મને આટલો બધો ઉમળકો, આટલો બધો પ્રેમ અને આટલો બધો પ્રતિસાદ મળ્યો હોય તેવી કદાચ પહેલી ઘટના હતી. ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડયુસર સુરતના જાણીતા સ્ક્રિપ રાઇટર જશવંત ગાંગાણી હતા,
ફિલ્મના મુખ્ય કલાકારો હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી હતા.કેટલાંક લોકપ્રિય ગીતોને અરવિંદ બારોટે અવાજ આપ્યો હતો અને બાળ કલાકાર તરીકે સુરતની કલાકાર તૃષારિકા રાજ્યગુએ અભિનય કર્યો હતો. ગાંગાણી ફિલ્મ પ્રોડકશનના નેજા હેઠળ આ ફિલ્મ રજૂ થઇ હતી.