રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
વૈશ્વિક મોરચે રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા અમેરિકાના સોવરિન ડેટના આઉટલુકમાં ઘટાડો કરતાં અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત નીતિઓને લઈ વિશ્વ સ્તબ્ધ હોઈ ભારત માટે પણ ટ્રશ્વપના શૂન્ય ટેરિફ માટે સંમત થયાના વિવાદાસ્પદ નિવેદન અને બીજી તરફ ચાઈના અને અરબ દેશો તરફના ઝુંકાવને લઈ વૈશ્વિક વેપાર સ્થિતિ અનિશ્ચિત બની રહેતા સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો, જો કે જેપી મોર્ગન દ્વારા ભારતનું અર્થતંત્ર વિવિધ પડકારો વચ્ચે પણ મજબૂત ગ્રોથ સાથે વેગવાન રહેવાનો રિપોર્ટ અને સ્થાનિક સ્તરે આર્થિક વૃદ્ધિમાં વધારો તેમજ ફુગાવો કંટ્રોલમાં રહેવાની અપેક્ષાએ સપ્તાહના અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફુગાવાની ભીતિ વચ્ચે વ્યાજના દરોમાં કોઈ મોટો ઘટાડો ન થવાની સંભાવનાઓ સાથે યુ.એસ. બોન્ડ યિલ્ડમાં વધારો અને મધ્ય પૂર્વમાં વધતા જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ તેમજ આયાતકારો અને વિદેશી બેંકો તરફથી ડોલરની વધતી માંગના પરિણામે ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો નોંધાતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ઈરાનની ન્યુક્લિયર ઉત્પાદનની સવલતો પર ઈઝરાયલ દ્વારા હુમલાઓ કરાશે એવા અહેવાલો વહેતા થતા વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઉભું છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંકના એપ્રિલ મહિનાના ‘સ્ટેટ ઓફ ધ ઇકોનોમી’ રિપોર્ટ અનુસાર, ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિથી વધી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુએસ ટેરિફ સંબંધિત સમાચારને કારણે એપ્રિલની શરૂઆતમાં સ્થાનિક શેરબજાર થોડું નબળું પડયું હતું. પરંતુ અમેરિકાએ તેના કેટલાક કરવેરા નિર્ણયોને અસ્થાયી રૂપે અટકાવ્યા અને ભારતની બેંકિંગ અને ફાઇનાન્સ કંપનીઓએ જાન્યુઆરી – માર્ચ ક્વાર્ટરમાં સારા પરિણામો દર્શાવ્યા કે તરત જ શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી.
વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે. પરંતુ અહેવાલમાં ભારતની પરિસ્થિતિ અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. એપ્રિલ ૨૦૨૫માં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં ભારત ૨૦૨૫માં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહેશે અને આ વર્ષે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. રિપોર્ટ અનુસાર, દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે ૨૦૨૫-૨૬માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે.
આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા હોવાથી, ગામડાઓમાં વપરાશ વધશે અને ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો પણ નિયંત્રણમાં રહી શકે છે. વૈશ્વિક વેપારમાં પરિવર્તન અને ઔદ્યોગિક નીતિઓમાં નવા વલણો વચ્ચે, અહેવાલમાં ભારતને ‘કનેક્ટર દેશ’ તરીકે વર્ણવવામાં આવ્યું છે. ભારત ખાસ કરીને ટેકનોલોજી, ડિજિટલ સેવાઓ અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે એકંદર ફુગાવામાં રાહત મળી છે. જોકે, સોનાના ઊંચા ભાવની અસર હજુ પણ મુખ્ય ફુગાવા પર જોવા મળે છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮૨૨૮.૪૫ કરોડની ખરીદી તેમજ ૨૨ મે ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૩૪૧૯૭.૭૮ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી તેમજ ૨૨ મે ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૦૩૯૭.૦૨ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકા દ્વારા જાહેર કરાયેલા રેસિપ્રોકલ ટેરિફના જોખમને કારણે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત જણાઈ રહ્યું છે. ચીન તથા અમેરિકા બંને ભારતના મોટા વેપાર ભાગીદાર દેશ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરને પરિણામે ભારતમાં વિદેશી કંપનીઓના ઉત્પાદન એકમો આવવાની તથા ભારતમાંથી નિકાસ વધવાની શકયતા હાલ પૂરતુ ઘટી ગઈ છે. અમેરિકા તથા ચીને એકબીજાના માલસામાન પર ટેરિફમાં ઘટાડો કરવાના લીધેલા નિર્ણયને કારણે ચીનમાંથી ફરી નિકાસ વધવાની શકયતા વધી ગઈ છે. ચીનમાં કાર્યરત વિદેશી કંપનીઓ જેઓ ચીનમાંથી પોતાના એકમો બંધ કરી ભારત, મેક્સિકો કે વિયેતનામ તરફ નજર દોડાવવા લાગી હતી તે હાલ પૂરતુ અટકી જશે અને ચીનમાં જ રહેવાનું પસંદ કરશે તેમ જણાય રહ્યું છે.
ટેરિફ વોરને કારણે ચીન ઉપરાંત અન્ય દેશની જે શકયતા ઊભી થઈ હતી તે હવે ધીમી પડી ગઈ છે અને ચીન ખાતેથી આયાત કરવાનું અને ચીનમાં ઉત્પાદન મથકો ચાલુ રાખવાનું વૈશ્વિક કંપનીઓ મુનાસિબ ગણશે. આ અગાઉ અમેરિકાએ ચીનને બાદ કરતા અન્ય દેશો સાથેની ટેરિફ વોરને ૯૦ દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો જેને પરિણામે અમેરિકામાં નિકાસ વધારવા ભારતને આશા જાગી હતી. પરંતુ હવે ચીન સાથે ટેરિફ વોર સ્થગિત કરી દેવાતા ભારતની આશા ઘટી ગઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ૨૦૧૭ થી ૨૦૨૧ દરમિયાન અમેરિકાના પ્રમુખ રહ્યા હતા ત્યારે, અમેરિકા સાથેના વેપારમાં ભારત છઠ્ઠું મોટું લાભકર્તા બની રહ્યું હતું, જો કે ટેરિફ હાલમાં ૯૦ દિવસ માટે સ્થગિત કરાયા છે આમ છતાં તેને લગતા જોખમો યથાવત રહેતા અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)ભારતી એરટેલ (૧૮૩૫) : ટેલિકોમ સેલ્યુલર અને ફિકસ્ડ લાઇન સર્વિસ સેકટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૧૮૦૮ આસપાસ પ્રર્વતી રહ્યો છે. રૂા.૧૭૮૭ ના સ્ટોપલોસથી આ ટુંકા સમયગાળે રૂા.૧૮૫૩ થી રૂા.૧૮૬૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શકયતા છે…!! રૂા.૧૮૬૬ ઉપર તેજી તરફ ધ્યાન…!!
(ર)વેદાંતા લિમિટેડ (૪૪૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૪૨૪ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ…!! રૂા.૪૧૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂા.૪૫૭ થી રૂા.૪૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)ઇન્ફોસિસ લિમિટેડ (૧૫૬૯) : રૂા.૧૫૩૦ નો પ્રથમ તેમજ રૂા.૧૫૧૭ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ-સોફટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા.૧૫૯૪ થી રૂા.૧૬૦૦ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શકયતા છે…!!
(૪)ઓબેરોય રિયલ્ટી (૧૭૪૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેકટ સેકટર નો આ સ્ટોક રૂા.૧૭૭૫ આસપાસ વેચવાલી થકી રૂા.૧૭૧૭ થી રૂા.૧૭૦૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શકયતા ધરાવે છે. ટ્રેડીગલક્ષી રૂા.૧૭૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો…!!
(પ)ટાટા કોમ્યુનિકેશન્સ (૧૬૭૩) : રૂા.૧૬૮૬ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શકયતાએ આ સ્ટોક રૂા.૧૭૦૭ ના સ્ટોપલોસે તબકકાવાર રૂા.૧૬૫૬ થી રૂા.૧૬૪૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬)ઓરબિન્દો ફાર્મા (૧૧૯૬) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂા.૧૨૨૦ આસપાસના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂા.૧૧૭૭ થી રૂા.૧૧૬૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧) રેપ્કો હોમ ફાઈનાન્સ (૩૯૦) : અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૭૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૬૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૪૦૮ થી રૂ.૪૧૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૨૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨) રેલટેલ કોર્પોરેશન (૩૬૪) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૫૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૮૩ થી રૂ.૩૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) પેટ્રોનેટ એલએનજી (૩૦૮)ઃ રૂ.૨૯૭ નો પ્રથમ તેમજ રૂ.૨૯૦ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪) જીઈ પાવર ઈન્ડિયા (૨૩૭) : હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપ્મેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!
(૫) ડી બી કોર્પ (૨૩૦) : રૂ.૨૨૩ નો પ્રથમ તેમજ રૂ.૨૧૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રિન્ટ મીડિયા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬) રાષ્ટ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ (૧૪૭) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૩૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૫૮ થી રૂ.૧૭૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) ગુજરાત પીપાવાવ પોર્ટ (૧૪૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૩૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૫૪ થી રૂ.૧૬૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮) યુનિયન બેન્ક (૧૪૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭ આસપાસ રોકાણકારે રૂ.૧૫૪ થી રૂ.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૨૦ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)ઈન્ટ્રાસોફ્ટ ટેકનોલોજીસ (૧૦૨) : ઈ-રિટેલ/ઈ-કોમર્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૧૩ થી રૂ.૧૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!ુ
(૨) SJVN લિ.(૯૩) : ડિલેવરીબેઇઝ રોકાણકારે પાવર જનરેશન સેક્ટરનાં આ સ્ટોકને ૮૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! ટ્રેડિંગ સંદર્ભે રૂ.૧૦૩ થી રૂ.૧૧૨ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
(૩) HB સ્ટોક હોલ્ડિંગ્સ (૭૫) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭ નો પ્રથમ તેમજ રૂ.૬૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૮૪ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૫૬) : રૂ.૫૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૭ થી રૂ.૭૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
ભારતે મૂકેલા પ્રતિબંધથી સ્થાનિક સ્થળે રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકોને તક ઊભી થવાની ધારણાં…!!
જમીન માર્ગે બાંગલાદેશ ખાતેથી ગારમેન્ટસની નિકાસ પર ભારતે મૂકેલા પ્રતિબંધથી સ્થાનિક સ્થળે રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકોને રૂ.૧૦૦૦ કરોડથી રૂ.૧૨૦૦ કરોડની તક ઊભી થવા ધારણાં મૂકવામાં આવી છે.આ પ્રતિબંધને કારણે સ્થાનિક સ્થળે ઉત્પાદનમાં વધારો થશે પરંતુ સાથોસાથ આગામી શિયાળામાં જાણીતા એપરલની કિંમતમાં અઢીથી ત્રણ ટકા વધારો થવાની શકયતા નકારાતી નથી. ભારત દ્વારા શનિવારથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને કારણે દક્ષિણ એશિયાના ટેકસટાઈલ વેપારને નવો આકાર મળી શકે છે.
બાંગલાદેશ ખાતેથી ડયૂટી ફ્રી ટેકસટાઈલની નિકાસમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી સરકારનો આ નિર્ણય આવી પડયો છે. દક્ષિણ એશિયા વેપાર કરાર હેઠળ બંગલાદેશ ડયૂટી ફ્રી સવલતનો લાભ મેળવી શકે છે. સરકારના આ પગલાંથી રેડીમેડ ગારમેન્ટ ક્ષેત્રમાં ભારતની સ્વાવલં બનતા વધુ મજબૂત બનશે અને બાંગલાદેશ મારફત ભારતમાં ઘુસાડાતા ચીનના ફેબ્રિકસની દેશમાં આયાત ઘટશે. ચીનથી સીધા આવતા ફેબ્રિકસ પર ભારતમાં વીસ ટકા ડયૂટી વસૂલવામાં આવે છે.વર્તમાન વર્ષના એપ્રિલમાં બાંગલાદેશે ભારત ખાતેથી કોટન યાર્નની નિકાસ પર અંકૂશ મૂકી દીધા હતા.
ભારતની કોટન યાર્નની નિકાસમાંથી ૪૫ ટકા યાર્ન બાંગલાદેશ જતુ હતું. બાંગલાદેશના આ પગલાંની સામે જ ભારતનું વળતું પગલું આવી પડયું હોવાનું કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીના સુત્રોએ જણાવ્યું હતું. આનાથી ભારતના રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકોને રુપિયા ૧૦૦૦ કરોડથી રૂપિયા ૧૨૦૦ કરોડની તક ઊભી થવા ધારણાં છે. ભારતની એપરલ આયાતમાં ૩૫ ટકા આયાત બાંગલાદેશ ખાતેથી થાય છે. એપરલના કુલ વપરાશમાં ૧-૨ ટકા જેટલો જ હિસ્સો આયાતી એપરલનો રહે છે.
ટોચની મૂલ્યવાન ૧૦૦ બ્રાન્ડ્સમાં ફક્ત ચાર ભારતીય કંપનીઓ સામેલ…!!
ટોચની મૂલ્યવાન ૧૦૦ બ્રાન્ડ્સમાં ફક્ત ૪ ભારતીય કંપનીઓસામેલ છે. જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ની બ્રાન્ડ વેલ્યુ વધીને ૫૭.૩ બિલિયન ડોલર થઈ ગઈ છે,જે તેને ભારતમાં સૌથી મૂલ્યવાન બ્રાન્ડ અને વૈશ્વિક સ્તરે ૪૫મી સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બનાવે છે. કાંતાર બ્રાન્ડ્ઝના અહેવાલ મુજબ,કંપનીએ ગયા વર્ષે તેની બ્રાન્ડ વેલ્યુમાં ૨૮ ટકાનો વધારો નોંધાવ્યો છે.ટીસીએસ એ સમગ્ર વિશ્વમાં તેની બ્રાન્ડ ઇક્વિટી, જાગૃતિ અને અનુકૂળતામાં વધારો જોયો છે. ગયા વર્ષે, કંપની ૪૧.૨ બિલિયન ડોલરના બ્રાન્ડ મૂલ્ય સાથે કાંતાર બ્રાન્ડ્ઝ રિપોર્ટમાં ૪૬મા સ્થાને હતી. મોમેન્ટમ-ઈંઝજખઅના અન્ય એક અહેવાલમાં,૨૬ દેશોમાં તેના બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ સાથે, ટીસીએસ એ ૯૫ ટકા સહાયિત બ્રાન્ડ જાગૃતિ દર્શાવી હતી. કંતાર બ્રાન્ડ્ઝ રિપોર્ટ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સને ક્રમ આપે છે. આ યાદીમાં એપલ ૧.૨૯ ટ્રિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ટોચ પર છે, ત્યારબાદ ગૂગલ અને માઇક્રોસોફ્ટ અનુક્રમે ૯૪૪ બિલિયન ડોલર અને ૮૮૪ બિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે આવે છે.ટીસીએસ એકમાત્ર ભારતીય કંપની છે જેને વિશ્વની ટોચની ૫૦ સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં સ્થાન મળ્યું છે. ૩ અન્ય ભારતીય કંપનીઓએ ટોચના ૧૦૦ સૌથી મૂલ્યવાન વૈશ્વિક બ્રાન્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.
લોન માટે ગીરવે મૂકેલા પ્રમોટર શેરનું પ્રમાણ માર્ચ ક્વાર્ટરમાં ૦.૮૬% વધ્યુ…!!
બીએસઈ ૫૦૦ જૂથની કંપનીઓમાં લોન માટે ગીરવે મૂકેલા પ્રમોટર શેરનું પ્રમાણ માર્ચ ક્વાર્ટરમાં ૦.૮૬% વધ્યુ છે. પ્રમોટર દ્વારા ગીરવે મૂકેલા શેરનું ચોખ્ખું મૂલ્ય રૂ.૧.૫૭ લાખ કરોડ અથવા ઇજઊ ૫૦૦ માર્કેટ કેપિટલાઇઝેશનના ૦.૪૩% જેટલું રહ્યું છે. કોટક ઇન્સ્ટિટયૂશનલ રિસર્ચના ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ૬૯ કંપનીઓના પ્રમોટરોએ નવાશેર ગીરવે મૂક્યા હતા.જે કંપનીઓમાં પ્રમોટરોએ પ્લેજ વધાર્યો છે તેમાં અશોક લેલેન્ડ,ઇઝી ટ્રિપ, કલ્યાણ જ્વેલર્સ, મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને પીવીઆર આઇનોક્સનો સમાવેશ થાય છે.
જે કંપનીઓમાં પ્રમોટરોએ પ્લેજ ઓછો કર્યો છે તેમાં એસ્ટર ડીએમ હેલ્થકેર, જીએમઆર એરપોટ્ર્સ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર,લોયડ્સ મેટલ્સ અને સ્વાન એનજીર્નો સમાવેશ થાય છે. ઇઝી ટ્રિપ અને મેક્સ ફાઇનાન્શિયલ એવી કંપનીઓ છે. જ્યાં પ્રમોટરોએ નવા શેર ગીરવે મૂક્યા હતા. ઉચ્ચ પ્રમોટર પ્લેજને ઘણીવાર તકલીફના સંકેત તરીકે જોવામાં આવે છે, જે ઇક્વિટી બજારોમાં નકારાત્મક ધારણા તરફ દોરી શકે છે અને તેમના શેરમાં અસ્થિરતામાં વધારો કરી શકે છે. અત્યંત ઉચ્ચ પ્લેજ ધરાવતી કંપનીઓમાં વેદાંતનો સમાવેશ થાય છે, જ્યાં દેવાની મુશ્કેલીઓને દૂર કરવા માટે ડિમર્જરમાં જતા હોવા છતાં ૧૦૦% પ્રમોટર શેર ગીરવે મૂકવામાં આવ્યા છે.
સેગિલિટી, ઇન્ટરનેશનલ જેમો લોજીકલ ઇન્સ્ટિટયૂટ જેવી કેટલીક અન્ય કંપનીઓમાં પણ સંપૂર્ણ પ્રમોટર શેર પ્લેજ મૂકાયા છે. જો શેરના ભાવ ઘટે છે, તો ધિરાણકર્તાઓ તેમના ભંડોળને પુનઃપ્રાપ્ત કરવા માટે ખુલ્લા બજારમાં પ્લેજ કરેલા શેર વેચી શકે છે. આનાથી પ્રમોટરનું નિયંત્રણ ગુમાવવાનું અને શેરના ભાવમાં તીવ્ર ઘટાડો થવાનું જોખમ રહેલું છે.જે કંપનીઓમાં પ્રમોટરોએ ગીરવે મૂકેલા શેર ઊંચા છે અને શેરના ભાવ ઘટયા છે તેમને માજન કોલ્સ અને ફોર્સ્ડ સેલ જોખમનો સૌથી વધુ સામનો કરવો પડે છે.જ્યારે ગીરવે મૂકેલા શેરધારકોને નકારાત્મક માનવામાં આવે છે,ત્યારે કેટલાક કિસ્સાઓમાં તે લઘુમતી શેરધારકોના હિતમાં હોઈ શકે છે. કેટલાક પ્રમોટરો વ્યક્તિગત હિત કરતાં વ્યવસાય વિસ્તરણ માટે નાણાં એકઠા કરવા આ માર્ગ અપનાવે છે.
ટેરિફ જોખમને કારણે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત…!!
અમેરિકા દ્વારા જાહેર કરાયેલા રેસિપ્રોકલ ટેરિફના જોખમને કારણે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત જણાઈ રહ્યું છે. વર્કમાન નાણાં વર્ષમાં ભારતની ચાલુ ખાતાની ખાધ વધી જીડીપીના ૧.૨૦ ટકા જોવા મળશે જે સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫ માટે ૦.૯૦ ટકા અંદાજવામાં આવી છે,એમ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (યુબીઆઈ)ના રિપોર્ટમાં જણાવાયું છે. કેમિકલ્સ, મસિનરી તથા ઈલેકટ્રોનિકસ જેવા માલસામાનનું ડમ્પિંગ શરૂ થયાના સંકેત મળી રહ્યા છે. પોતાના વેપાર ભાગીદાર દેશો પર અમેરિકા દ્વારા જાહેર કરાયેલી રેસિપ્રોકલ ટેરિફને ધ્યાનમાં રાખતા ભારત ખાતેથી નિકાસ ભાવિ અનિશ્ચિત જણાઈ રહ્યું છે. ટેરિફ હાલમાં ૯૦ દિવસ માટે સ્થગિત કરાયા છે આમ છતાં તેને લગતા જોખમો તોળાઈ રહ્યા છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
ગત નાણાકીય વર્ષમાં દેશની નિકાસ યાદીમાં સ્માર્ટફોન ટોચના સ્થાને રહ્યાં હતા…!!
સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં દેશની નિકાસ યાદીમાં સ્માર્ટફોન ટોચના સ્થાને રહ્યા હતા. વિતેલા નાણાં વર્ષમાં પેટ્રોલિયમ પ્રોડકટસ તથા હીરાની નિકાસને સ્માર્ટફોન્સની નિકાસે પાછળ મૂકી દીધી હતી એમ સરકારી આંકડા જણાવે છે.ભારતના સ્માર્ટફોનની વિશ્વ બજારમાં વધી રહેલી માંગ અને સરકાર દ્વારા પૂરા પડાઈ રહેલા પ્રોત્સાહનોને પરિણામે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતની સ્માર્ટ ફોનની નિકાસ વાર્ષિક ધોરણે ૫૫ ટકા વધી ૨૪.૧૪ અબજ ડોલર રહી હતી જે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૫.૫૭ અબજ ડોલર જોવા મળી હતી.અમેરિકા તથા જાપાન ભારતના સ્માર્ટફોનના ટોચના નિકાસ મથકો રહ્યા હતા. છેલ્લા ત્રણ નાણાં વર્ષમાં અમેરિકા ખાતે ભારતના સ્માર્ટફોનની નિકાસ પાંચ ગણી વધીનાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૦.૬૦અબજ ડોલર રહી હતી. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં આ આંક ૨.૧૬ અબજ ડોલર અને નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૫.૫૭ અબજ ડોલર રહ્યો હોવાનું સરકારી ડેટા જણાવે છે.આજ ગાળામાં જાપાન ખાતે સ્માર્ટફોનની નિકાસમાં ચાર ગણો વધારો થયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમને કારણે દેશમાં ઉત્પાદિત થતા સ્માર્ટફોન વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક ભાવે વેચી શકાય છે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!