Gondal, તા.28
ગોંડલમાં સાળાના શંકાસ્પદ મોત બાદ બનેવીએ લાશ દાટી દીધી હતી. જેની બહેનને ખબર પડતા મૃતદેહ બહાર કઢાયો હતો અને પોલીસને જાણ કરાઈ હતી. બનેવી ભાવેશના કહેવા મુજબ, સાળા અજય પરમારે ઝુંપડામાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પત્ની ઠપકો આપશે તેવા ડરે લાશ દાટી દીધી હતી. બનેવીની વાતમાં કેટલી હકીકત છે તે જાણવા ગોંડલ પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો છે.
વિસ્તૃત વિગત મુજબ, મૃતકની મનોસ્થિતિ સ્વસ્થ ન હતી, થોડા દિવસ પહેલા નાળિયેરમાં ગુપ્તાંગ નાખતા અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક અજય નરેશભાઈ પરમાર (ઉંમર વર્ષ 18, રહે. શિવ શક્તિ સોસાયટી, આઇટીઆઈ પાછળ ગોંડલ) ગઈ તા. 12 જાન્યુઆરીએ સવારે 4 વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે નાળિયેરમાં તેનું ગુપ્તાંગ ફસાઈ જતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. અહીંથી સીધો અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો.
22મી જાન્યુઆરીએ તેને રજા અપાઈ હતી. પછી તે બહેન શિલ્પા અને બનેવી ભાવેશભાઈ દેવાભાઈ સાથે વોરા કોટડા રોડ ગોંડલ ખાતે ઝુંપડામાં રહેતો હતો. પોલીસે પુછપરછ કરતા બનેવી ભાવેશે જણાવ્યું કે, તારીખ 25 જાન્યુઆરીના રોજ અજય ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તે સમયે ભાવેશ ની પત્ની શિલ્પા બહાર ગઈ હતી.
ઘરે માત્ર બાળકો અને ભાવેશ જ હતા. ભાવેશે જોયું કે અજય ગળાફાંસો ખાઈ લીધો છે. તેને થયું કે પત્ની આવશે એટલે તેને ઝઘડો કરીને ઠપકો આપશે. જેથી તેણે અજયને ગળાફાંસો ખાધેલી હાલતમાં નીચે ઉતારીને ચોપડાથી આગળ નદી કાઠે ખાડો ખોદી લાશ ને દાટી દીધી હતી. પત્ની શિલ્પા એ આવીને અજય ક્યાં ગયો તેમ પૂછ્યું હતું. ભાવેશ મને નથી ખબર કેમ જણાવ્યું હતું. બાદમાં શિલ્પાએ શોધખોળ કરી હતી પણ અજય ક્યાંય મળી આવ્યો નહોતો. શિલ્પાએ પોતાના બાળકોને પૂછ્યું તો બાળકો કહેતા હતા કે મામા તો ચાલ્યા ગયા. આ પછી શિલ્પાને શંકા જતા પોલીસ પાસે જઈશ તેમ કહેતા ભાવેશે ઉપરોક્ત વાત કહીં હતી. બાદમાં પોલીસને જાણ કરાઈ હતી અને કોહવાયેલ લાશ બહાર કઢાઈ હતી. અજયના મોતનું ચોક્કસ કારણ શું છે તે ફોરેન્સિક રિપોર્ટ બાદ જાહેર થશે.

