Ahmedabad,તા.13
ગુજરાતમાં વ્યાપાર-ઉદ્યોગ અને પ્રોત્સાહન આપવા તથા પ્રયાસને પણ વેગ આપવા રાજય સરકાર તેની શરાબબંધી નીતિમાં મહત્વના ફેરફાર કરી રહી છે. જેમાં આંતરરાષ્ટ્રીય ફાયનાન્સીયલ સીટી તરીકે ગાંધીનગર પાસે ખાસ તૈયાર કરાયેલા ગીફટ-સીટીમાં શરાબબંધીના કાનૂન હળવા બનાવી આ ગીફટ સીટીની મર્યાદામાં ડાઈન-વીથ-વાઈન એટલે કે હોટેલ-રેસ્ટોરાને શરાબ પીરસવા મંજુરી આપવામાં આવી છે.
તે જ રીતે હવે ગુજરાતના નવા પર્યટન સ્થળ બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છના ધોરડોના 100 દિવસના રણોત્સવ અને સુરતના નવા તૈયાર કરાયેલા ડાયમંડ બુર્સમાં હવે શરાબબંધી હળવી કરવા તૈયારી છે અને તેની જાહેરાત આગામી બે સપ્તાહમાં વિધિવત કરવામાં આવશે. આ અંગે એક અહેવાલ મુજબ સરકાર આ સ્થળોએ શરાબ પરમીટ માટે એક મોબાઈલ એપ. લોન્ચ કરશે.
ગુજરાતમાં આવતા વ્યાપાર-ઉદ્યોગના પ્રતિનિધિઓ ઉપરાંત પ્રવાસન સ્થળે આવતા સહેલાણીઓને તેનાથી લાભ થશે. આ સ્થળો પર સ્થાનિક ગુજરાતીઓને પણ શરાબ પીવાની છુટ આપવામાં આવે તેવા સંકેત છે.
આ સ્થળોએ શરાબના માન્ય વિક્રેતા નિશ્ચિત કરાશે અને તેની પાસેથી જે તે સ્થળની મર્યાદામાં શરાબ સેવન કરી શકાશે. આ અંગે સૂત્રોએ કારણો આપતા જણાવ્યુ કે રણોત્સવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ખાસ સહેલાણી આકર્ષણ હોવા છતા પણ રાજય બહારના અને વિદેશી સહેલાણીઓનો પ્રવાહ સર્જાતો નથી.
સુરતનું ડાયમન્ડ બુર્સ- વ્યાપારીક રીતે હજુ ઉપડયું નથી અને મુંબઈમાં પણ આ પ્રકારના બુર્શનું નિર્માણ થઈ રહ્યું છે. જો કે ફરી શરાબની છૂટ આપવાથી વિદેશીઓ આવશે કે કેમ તે પ્રશ્ન છે.
ગત 30 ડિસે.2023માં રાજય સરકારે ગીફટ સીટીમાં આ પ્રકારે છૂટછાટ આપી હતી. વાસ્તવમાં તે આ ગીફટ સીટીમાં આવક વધારવાના એક પગલા તરીકે પણ જોવાઈ રહ્યું છે. ગીફટ સીટીમાં શરાબ પીરસવાની રૂા.94.19 લાખની આવક સરકારને થઈ છે તેની સાથે આ સ્થળોએ કનેકટીવીટી વધારવાનું પણ આયોજન થશે.
જેથી પ્રવાસીઓ સહેલાઈથી ત્યાં પહોંચી શકશે. 2005થી કચ્છમાં રણોત્સવ શરૂ થયા છે. આ 100 દિવસનો આ ફેસ્ટીવલમાં વિદેશીઓ સહેલાણીઓ બહું પાછા આવે છે.
ત્રણ વર્ષમાં ફકત 465 વિદેશીઓ અહી પહોંચ્યા હતા.
ગુજરાતમાં દર વર્ષે 50 લાખ સહેલાણીઓ આવે છે. જેમાં રણોત્સવ-સ્ટેચ્યુ ઓફ યુનિટી- ગીર અભ્યારણ અને ધાર્મિક સ્થળોનો સમાવેશ વધુ થાય છે તે જ રીતે 64 લાખ સ્કવેરફુટમાં રૂા.3000 કરોડમાં બંધાયેલ ડાયમન્ડ બુર્શમાં 4500 ઓફીસો છે પણ તેમાં પુરતા વ્યાપારીઓ આવ્યા નથી. નવા સ્થળના રોકાણ કરતા વ્યાપારીક રોકાણથી વધુ લાભ છે તે સ્થાનિક હીરાના વ્યાપારીઓ માને છે.

