Rajkot, તા. 24
રાજકોટ શહેરમાં છેલ્લા 10 મહિનામાં ડિમોલીશનની ઢગલો નોટીસ અપાયા છતાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ ગેરકાયદે બાંધકામ દુર કરવામાં આવ્યા છે. જનરલ બોર્ડમાં તાજેતરમાં ટીપી શાખાએ આ મામલે ચૂંટાયેલી બોડીને સત્તાવાર જવાબ સાથે આંકડા પણ આપ્યા હતા. હવે ત્રણ દિવસથી શહેરના ત્રણે ઝોનમાં 260-1 અને 260-2 હેઠળ કેટલા આસામીઓને નોટીસ અપાઇ છે તેમને નવી નોટીસ આપવાનું ટીપી શાખાએ શરૂ કર્યુ છે.
ચાર દિવસની મુદ્દતમાં આવા આસામીઓને હાજર થવા જણાવાયું છે. બે-બે નોટીસ છતાં આસામીએ ગેરકાયદે બાંધકામ દુર કર્યા ન હોય, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન હેઠળ હિયરીંગ કરવા માટે તેમને હાજર થવાનું છે. બાંધકામ મંજુરીને લગતા તમામ દસ્તાવેજો, ભોગવટા પરવાનગી, પ્લાન આ આસામીઓએ રજુ કરવાના થશે. છતાં આસામી હાજર નહીં થાય તો અરજદારે કશુ કહેવાનું થતું નથી તેમ સમજીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. મિલ્કતમાં કોઇપણ પ્રકારનો અકસ્માત કે જાનમાલને નુકસાની થશે તો તેની જવાબદારી પણ આસામીની રહેશે તેવું નોટીસમાં જણાવાયું છે.
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ટીપી શાખાની કામગીરી સ્થગિત જેવી હાલતમાં આવી ગઇ છે. બનાવ બાદ ટીપી શાખાના ભાગ પાડીને કામગીરી બાંધકામ શાખાના હવાલે પણ કરવામાં આવી છે. પરંતુ આ 10 મહિનામાં નહીંવત ડિમોલીશન થયા છે. ગેરકાયદે બાંધકામો ખુબ વધ્યાની ફરિયાદ કોર્પોરેટરો પણ કરે છે.
આ દરમ્યાન મે-2024માં નાના મવા રોડ પર સર્જાયેલા અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટમાં બાંધકામ ક્ષેત્ર અને ટીપી શાખાની કામગીરી મંદ પડતા અગ્નિકાંડની તારીખથી તા.31-1-25 સુધીમાં મનપાએ ગેરકાયદે બાંધકામ રોકવાની 260-1 મુજબની 1221 અને 260-2 હેઠળ ગેરકાયદે બાંધકામ દુર કરવાની 30ર નોટીસ આપ્યાનું જાહેર કરાયું છે. આ વર્ષમાં 1523 નોટીસમાંથી માત્ર 26 બાંધકામના ડિમોલીશન થયા છે!
તાજેતરમાં જનરલ બોર્ડમાં ટીપી શાખાએ આ જવાબ રજૂ કર્યો હતો. તેમાં કોર્પોરેટરોએ જુદા જુદા વોર્ડમાં ગેરકાયદે બાંધકામની 3ર ફરિયાદો કરી હતી. તે પૈકી આઠ ફરિયાદોનો જ નિકાલ કરવામાં આવ્યાનું વિભાગે કબુલ કર્યુ છે. વોર્ડ નં.2માં 260-1 મુજબ ચાર નોટીસ, ત્રણ ડિમોલીશન, વોર્ડ નં. 13માં 24 નોટીસ અને બે ડિમોલીશન, વોર્ડ નં.3માં 4 નોટીસ અને એક ડિમોલીશન, વોર્ડ નં.14માં પાંચ નોટીસ, વોર્ડ નં.17માં આઠ નોટીસ અને બે ડિમોલીશન કરાયા છે. એકંદરે સેન્ટ્રલ ઝોનમાં 55 નોટીસ સામે 10 ડિમોલીશન કરાયા છે.
ન્યુ રાજકોટના વેસ્ટ ઝોનમાં 88 નોટીસ સામે માત્ર ત્રણ ડિમોલીશન કરવામાં આવ્યા છે. સૌથી વધુ નોટીસ વોર્ડ નં.11ના મવડીમાં 63, વોર્ડ નં.8માં 11, વોર્ડ નં.10માં 4, વોર્ડ નં.9 અને 12માં ત્રણ-ત્રણ, વોર્ડ નં.1માં ત્રણ નોટીસ અપાઇ છે. ઇસ્ટ ઝોનમાં 1380 નોટીસ સામે માત્ર 13 ડિમોલીશન કરવામાં આવ્યા છે.
સૌથી વધુ નોટીસ કોઠારીયા રોડના નિલકંઠ સિનેમા પાછળના અને આજુબાજુના વોર્ડ નં.16માં 1014 આપવામાં આવી છે અને ત્યાં એક પણ ડિમોલીશન કરવામાં આવ્યું નથી. મોરબી રોડના વોર્ડ નં.4માં 34 નોટીસમાંથી 10 ડિમોલીશન, વોર્ડ નં.5માં 15માંથી એક, વોર્ડ નં.6માં 246 નોટીસમાંથી માત્ર એક, વોર્ડ નં.18માં 7માંથી માત્ર એક ડિમોલીશન કરાયું છે.
વોર્ડ નં.15માં 64 નોટીસમાંથી કોઇ ડિમોલીશન કરાયા નથી. આ રીતે હવે 260-1 અને 2ની નોટીસ અપાઇ હોય તેવા આસામીઓને હિયરીંગ માટે નોટીસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ હિયરીંગ બાદ ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ સમજવામાં આવે છે.