New Delhi,તા.૧૦
દિલ્હીમાં ભાજપનો ૨૭ વર્ષનો દુકાળ સમાપ્ત થયો છે. ભાજપે ૪૮ બેઠકો જીતી છે અને બમ્પર બહુમતી મેળવી છે. ૧૧ વર્ષ સુધી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી માત્ર ૨૨ બેઠકો પર સમેટાઈ ગઈ. દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ ૧૩ ફેબ્રુઆરી પછી થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૦ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતે રહેશે. ૨૭ વર્ષના લાંબા ગાળા પછી ભાજપ દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે.
પાર્ટી ઇચ્છે છે કે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહે. તેથી, શપથ ગ્રહણ સમારોહ ૧૩ ફેબ્રુઆરી પછી યોજાય તેવી શક્યતા છે.ભાજપમાં મુખ્યમંત્રીના ચહેરા પર મંથન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન, એવા સમાચાર છે કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા છે. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઈ.
માનવામાં આવે છે કે બેઠકમાં દિલ્હીની નવી સરકારની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી. તે જ સમયે, પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ પણ રવિવારે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી ભાજપ પ્રમુખ સચદેવ આજે સાંજે તમામ વિજેતા ધારાસભ્યોને મળશે અને તેમની જીત બદલ અભિનંદન પાઠવશે. ધારાસભ્યો સાથે આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. શનિવારે સાંજે ભાજપ કાર્યાલયમાં વિજયની ઉજવણી કરવામાં આવી હતી.
શપથ ગ્રહણ સમારોહ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ચર્ચા થઈ હતી અને દિલ્હીમાં રચાનારી સરકારની રૂપરેખા પર વાતચીત થઈ હતી. અગાઉ, દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. બધા નવા ચૂંટાયેલા ધારાસભ્યો પક્ષ દ્વારા સોંપાયેલ ફરજો નિભાવવા સક્ષમ છે.
દરમિયાન, દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે સરકાર બન્યા પછી અમારી પ્રાથમિકતા યમુનાને સાફ કરવાની રહેશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે. મનોજ તિવારીએ કહ્યું કે જે પણ મુખ્યમંત્રી હશે, તે દિલ્હીના લોકો માટે કામ કરશે અને વડાપ્રધાન મોદી દ્વારા લોકોને આપવામાં આવેલી ખાતરીઓ પૂર્ણ કરશે.એવું માનવામાં આવે છે કે દિલ્હીમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ભવ્ય રહેશે, તેથી થોડો સમય લેવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં એનડીએ નેતાઓને આમંત્રિત કરવામાં આવશે. આ સાથે, બધા એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ સમારોહનો ભાગ બનશે.
ભાજપની જીત બાદ, શનિવારે, પાર્ટીના રાજ્ય પ્રભારી બૈજયંત પાંડાએ કહ્યું હતું કે દિલ્હીને આગામી ૧૦-૧૫ દિવસમાં નવા મુખ્યમંત્રી મળશે. પાર્ટીમાં મુખ્યમંત્રીની પસંદગી માટે સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરવું પડે છે. તેમણે કહ્યું કે, આપણી પાસે સામૂહિક નેતૃત્વ છે અને મુખ્યમંત્રીની પસંદગી એક પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. દિલ્હીમાં કુલ ૭૦ વિધાનસભા બેઠકો છે અને બહુમતી માટે ૩૬ બેઠકો જરૂરી છે. ૧૯૯૩માં ભાજપે પહેલી વાર દિલ્હી જીત્યું. ત્યારબાદ, ૧૯૯૮ની ચૂંટણીમાં ભાજપ હારી ગયો અને કોંગ્રેસે સરકાર બનાવી. ૧૯૯૮, ૨૦૦૩ અને ૨૦૦૮માં કોંગ્રેસે રાષ્ટ્રીય રાજધાનીમાં જીત મેળવી હતી. તે પછી, જ્યારે ૨૦૧૩ માં ચૂંટણીઓ યોજાઈ, ત્યારે ભાજપે સૌથી વધુ બેઠકો જીતી, પરંતુ બહુમતીથી દૂર રહી. આવી સ્થિતિમાં કોંગ્રેસે છછઁ ને બહારથી ટેકો આપ્યો અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા. આ સરકાર એક વર્ષ ચાલી અને પછી કેજરીવાલે રાજીનામું આપવું પડ્યું. બાદમાં ૨૦૧૫ અને ૨૦૨૦ ની ચૂંટણીઓમાં, આપે જંગી જીત મેળવી.હવે ૨૭ વર્ષ પછી, ભાજપ ફરી એકવાર જીત્યું છે. હવે ભાજપમાં નવા મુખ્યમંત્રીને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. નવી દિલ્હી બેઠક પરથી ભાજપના પ્રવેશ વર્માએ આપ કન્વીનર અરવિંદ કેજરીવાલનો વિજય રથ રોકી દીધો છે. તેમણે ૪,૦૮૯ મતોથી શાનદાર વિજય મેળવ્યો છે. હાલમાં, ભાજપની મુખ્યમંત્રી પદની રેસમાં પરવેશ વર્માનું નામ પણ ચર્ચામાં છે.