Gondal,તા.25
રીબડામાં અનિરુદ્ધસિંહ નાં ભત્રીજાનાં પેટ્રોલ પંપ પર થયેલી ફાયરિંગ ની ઘટના માં ગોંડલ તાલુકા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે, જેનાથી કેસમાં નવો વળાંક આવ્યો છે. મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહની પૂછપરછ અને તપાસના આધારે એક પછી એક નામો ખુલી રહ્યા છે.
આ પ્રકરણ માં જકોટના વકીલ રવિ ગમારા બાદ તેના મિત્ર નિશાંત ધર્મેન્દ્રભાઈ રાવલની પણ રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગની ઘટનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ બાદ તેની પૂછપરછમાં રાજકોટના વકીલ રવિ ગમારાનું નામ ખુલ્યું હતું રવિ પર ફાયરિંગમાં વપરાયેલ હથિયાર સાચવવાનો આરોપ છે ગોંડલ તાલુકા પોલીસે રવિ ગમારાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા.
તપાસ દરમિયાન રવિ ગમારાના મિત્ર નિશાંત રાવલની સંડોવણી પણ સામે આવતા ગોંડલ તાલુકા પોલીસે રાજકોટના કાલાવડ રોડ પર રહેતા નિશાંત ધર્મેન્દ્રભાઈ રાવલની ધરપકડ કરી છે. નિશાંત પર પણ ગુનામાં મદદગારી કરવાનો આરોપ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
આરોપીઓની ધરપકડ બાદ, ગોંડલ તાલુકા પોલીસના ઇન્ચાર્જ પીઆઇ જે. એચ. ખાચર અને તેમની ટીમે આરોપી રવિ ગમારા અને નિશાંત રાવલને સાથે રાખીને રાજકોટ શહેરમાં તે તમામ સ્થળોએ ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કર્યું હતું જ્યાં તેઓ ગયા હતા. આ રિક્ધસ્ટ્રક્શન કેસની તપાસમાં મહત્વનો પુરાવો સાબિત થઈ શકે છે.
આ કેસમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા નામો ખુલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે અને હથિયાર ક્યાંથી આવ્યું હતું. મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ, વકીલ રવિ ગમારા અને હવે નિશાંત રાવલની ધરપકડથી પોલીસને મહત્વની કડીઓ મળવાની આશા છે, જેનાથી કેસના મૂળ સુધી પહોંચવામાં મદદ મળશે.
આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને પોલીસની કામગીરી પર સૌની નજર છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની આશંકા સેવાઈ રહી છે.