વીડિયોમાં જોવા મળે છે કે ટેટૂ આર્ટીસ પરાગની છાતી પર શેફાલીનો ખૂબ જ સુંદર ફોટો બનાવ્યો છે
Mumbai, તા.૨૦
ફેમસ “કાંટા લગા ગર્લ” તરીકે જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલાના અચાનક નિધન પછી તેમના પતિ અને જાણીતા અભિનેતા પરાગ ત્યાગી પોતાની પત્નીની યાદોને હૃદયમાં જીવંત રાખવા સતત પ્રયત્ન કરી રહ્યા છે. શેફાલીનું જૂન ૨૦૨૫માં થયેલું અવસાન માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર મનોરંજન જગત માટે એક મોટો આઘાત સાબિત થયું હતું.હાલમાં જ પરાગ ત્યાગીએ પોતાની છાતી પર પત્ની શેફાલીનું ચિત્ર ટેટૂ રૂપે કરાવ્યું છે. આ ટેટૂનો વીડિયો “addictionink47”, નામના સોશિયલ મીડિયા યુઝરે શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ટેટૂ આર્ટીસ પરાગની છાતી પર શેફાલીનો ખૂબ જ સુંદર ફોટો બનાવ્યો છે. વીડિયોમાં ટેટૂ કલાકાર પોતે કહે છે કે આ પ્રોજેક્ટનો ભાગ બનવું તેમના માટે ખૂબ જ ગૌરવની વાત છે અને પરાગ જેવી વ્યક્તિ સાથે કામ કરવું તેમના માટે યાદગાર અનુભવ છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હજારો લોકો આ વીડિયોને જોઈને પરાગના શેફાલી પ્રત્યેના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. ચાહકો કમેન્ટ્સમાં લખી રહ્યા છે કે પરાગએ સાબિત કર્યું કે સાચો પ્રેમ ક્યારેય મરતો નથી.ગણતરીના દિવસો પહેલા જ, ૧૨ ઓગસ્ટે પરાગ ત્યાગીએ પોતાની મેરેજ એનિવર્સરી ઉજવી હતી, પરંતુ આ વખતે જીવનસાથી શેફાલી તેમની સાથે નહોતા. છતાં પણ, તેમણે આ ખાસ દિવસ શેફાલીની યાદમાં ઉજવ્યો હતો. હવે તેમણે છાતી પર ટેટૂ કરાવતાં ફરી એકવાર બતાવી દીધું છે કે તેઓ પોતાની પત્નીથી પોતાના અંતિમ શ્વાસ સુધી ક્યારેય અલગ નહીં થાય.