Rajkot તા.8
રાજકોટ શહેર માટે છેલ્લા કેટલાક વર્ષોથી જીવાદોરી બની ગયેલ સૌની યોજનાના નીરથી વારંવાર રાજકોટને પીવાનું પાણી પુરૂ પાહતા આજી-1 અને ન્યારી-1 ડેમમાં છેલ્લા કેટલાક સમયથી વર્ષમાં ત્રણ વાર નર્મદાના નીર ઠાલવવામાં આવે છે.
ત્યારે આગામી ઉનાળામાં પાણીની તંગી વર્તાઈ નહીં તે માટે આરએમસી અને સિંચાઈ વિભાગ દ્વારા આગોતરૂ આયોજન કરી ગત શનિવારથી જ ફરી એકવાર રાજકોટમાં આજી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરાયું હતું.
દરમ્યાન વધુમાં સિંચાઈ વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આજી-1ની સાથોસાથ હવે ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે. છેલ્લા પાંચ દિવસ દરમ્યાન રાજકોટના આજી-1 ડેમમાં 150 એમસીએફટીથી વધુ નર્મદા નીર ઠલવાઈ ગયા છે. આથી ભર શિયાળે આજીની સપાટી 25.25 ફૂટ પહોંચી ગઈ છે.
દરમ્યાન રાજકોટના ન્યારી-1માં પણ બે દિવસથી સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે. ત્યારે બે દિવસમાં 25 એમસીએફટી જેટલુ નર્મદા નીર ન્યારી ડેમમાં ઠલવાઈ ગયું છે અને આજની સ્થિતિએ ડેમની સપાટી 19.19 ફૂટ પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, બન્ને ડેમો સિંચાઈ વિભાગ દ્વારા ફરી એક વાર છલકાવી દેવામાં આવનાર છે. નોંધનીય છે કે આજી-1 29 ફૂટે 100 ટકા ભરાય છે ત્યારે ન્યારી-1 25 ફૂટે 100 ટકા ભરાય જાય છે.

