Nepal,તા.9
સોશિયલ મીડીયા પર રોક તેમજ ભ્રષ્ટાચાર મામલે ગઈકાલે નેપાળમાં રાજધાની કાઠમંડુ સહિત અનેક શહેરોમાં હિંસક આંદોલન શરૂ થતા અને પોલીસના ગોળીબારમાં 20 યુવાનોના મોત થતા નેપાળની ઓલી સરકાર ઝુકી છે અને સોશિયલ મીડિયા પરની રોક હટાવવાની જાહેરાત કરી છે.
હવે સવાલ એ પણ છે કે આ આંદોલન માત્ર સોશિયલ મીડિયા પર રોક પુરતુ નહોતું. બલકે ભ્રષ્ટાચાર, આર્થિક અસમાનતા અને ભાઈ-ભતીજાવાદ પણ સામે હતું ત્યારે આ આંદોલન શાંત પડશે કે ચાલુ રહેશે તેના પર સૌની નજર છે.
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હટાવવાની જાહેરાત કર્યા બાદ વડાપ્રધાને જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન દરમિયાન દુઃખદ ઘટનાથી ખૂબજ દુઃખી છું, અમને વિશ્વાસ હતો.
અમારા બાળકો શાંતિપૂર્વક પોતાની માંગ ઉઠાવશે પણ નિહિત સ્વાર્થોના કારણે વિરોધ પ્રદર્શનમાં ઘુસણખોરી થઈ ગઈ, જેના કારણે ઉત્પન્ન સ્થિતિથી નાગરિકોએ પોતાના જીવ ગુમાવવા પડયા.
સરકાર સોશિયલ મીડિયાના ઉપયોગને રોકવાના પક્ષમાં નહોતી અને તેના ઉપયોગ માટે માહોલ નિશ્ચિત કરશે. હું આશ્વાસન આપું છું કે હિંસા અને નુકસાન, કારણોની તપાસ અને સમીક્ષા માટે એક તપાસ સમીતીની રચના કરવામાં આવશે અને 15 દિવસમાં એક રિપોર્ટ રજુ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવાની ભલામણ કરવામાં આવશે.
સોમાએ મોડીરાત્રે કેબીનેટની બેઠક બાદ મંત્રી પૃથ્વી સુબ્બા ગુરંગે કહ્યું હતું કે સરકારને પોતાના નિર્ણય (સોશ્યલ મીડીયા પર રોક લગાવવાના) પર કોઈ ખેદ નથી પણ આંદોલનને લઈને પ્રતિબંધ હટાવવામાં આવી રહ્યો છે. મંત્રીએ જેન-જી (યુવાઓનો સમૂહ)ને આંદોલન ખતમ કરવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, નેપાળમાં બેકાબૂ હિંસા બાદ નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામુ આપી દીધું. નેપાળમાં આંદોલનને પગલે ભારત-નેપાળ સીમા પર એલર્ટ જાહેર કરાયું છે. સશ સીમા દળે સતર્કતા વધારી દીધી છે.

