Ahmedabad, તા. 26
અમદાવાદ શહેરના બોપલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર જયદીપ કોટક અને હિરેન કારિયા સામે મકાન અને દુકાન વેચવાના નામે એક સિનિયર સીટીઝન સાથે 3.33 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે આજે જયદીપ કોટકની ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બોપલ પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, કોર્ટે 8 જાન્યુઆરી 2025 બપોરે 2:30 વાગ્યા સુધીના એટલે કે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બોપલ પોલીસે ગઈકાલે બપોરે 2.15 વાગ્યે આરોપી જયદીપ કોટકની અટકાયત કરી હતી. આરોપી જયદીપ કોટકને બોપલ પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જજ સમક્ષ રજૂ કર્યો હતો, જેમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી જયદીપ કોટક તપાસમાં સહકાર નથી આપી રહ્યો.
આરોપીએ સેલેસ્ટીયલ બાય 14 સ્ટોરે સ્કીમમાં 219 જેટલા ફ્લેટ-દુકાનોના બુકિંગ કરેલા છેઅને રિચમંડ બાય 22 સ્ટોરે સ્કીમમાં ફ્લેટ-દુકાનોની સાથે એક 7 માળની સ્કીમ પણ વેચાણ માટે મૂકી હોવાનુ ખુલ્યું છે.
આરોપી પાસેથી 2 નોટરાઈઝ ખઘઞ પણ પોલીસને મળ્યા છે. આરોપી જયદીપ કોટક પોતાના ભાગીદાર હિરેન કારીયા અંગે માહિતી અને લોકેશન આપતો ન હોવાની દલીલ કરવામાં આવી હતી.
આરોપીઓ જયદીપ કોટક અને હિરેન કારીયાએ ભેગા મળી પુર્વઆયોજીત કાવતરું રચી પ્રીવીલોન બીલ્ડકોન એલ.એલ.પી નામની ભાગીદારી પેઢી બનાવી હતી. આ પેઢીના નામે ખોટો પ્રચાર કર્યો હતો કે તેમણે ઘુમા ગામની સીમ સર્વે નં. 632-અ વાળી ખુલ્લી જમીન પોતાના માલીકીની રાખી છે. આ જમીન પણ નીચે દુકાન અને તેના પર 22 માળની ફ્લેટની યોજના બનાવવાની હોવાની જાહેરાતો કરતા બોર્ડ લગાવ્યા હતા.
આરોપીઓ જયદીપ કોટક અને હિરેન કારીયાએ સાણંદમાં રહેતા 65 વર્ષીય ભાવેશભાઈ ભોગીભાઈ રવાણી સાથે ફ્લેટ અને દુકાન વેચવાના નામે 2 કરોડ 23 લાખની છેતરપિંડી કરી છે.
આરોપીઓએ ઘુમાની નકલી સાઈટ પર ‘રિચમન્ડ બાય પ્રીવીલોન’ નામની 22 માળની નકલી સ્કીમમાં ગ્રાઉન્ડ ફ્લોરની એક દુકાન પેટે 56 લાખ અને એક ફ્લેટ પેટે 1 કરોડ 67 લાખ 86 હજાર એમ કુલ મળી 2 કરોડ 23 લાખ રકમ રોકડ, ચેક અને RTGS મારફતે પડાવી લીધા હતા. આરોપીએ આ મિલ્કતોના નકલી દસ્તાવેજો પણ ખરીદનારને આપ્યા હતા અને બાદમાં નકલી સ્કીમના બોર્ડ રાતોરાત ઉતારી લીધા હતા.