Ahmedabad,તા.૩
આયકર વિભાગ દ્વારા દિવાળીના તહેવારો બાદ રાજયના ત્રણ બિલ્ડર ગ્રૃપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં ઈન્કમ ટેક્સ વિભાગની ટીમને કરોડો રૂપિયાની દસ્તાવેજ ઉપરની રકમ રોકડમાં લીધી હોય એવી ઓન મની એન્ટ્રી મળી આવી છે. સાથોસાથ ૧૦ કરોડથી વધુની રોકડ તેમજ બોગસ લોનની એન્ટ્રીઓ મળી આવી છે. ૩૪ સ્થળોએ પાડેલા દરોડામાં છ સ્થળોનો ઉમેરો થતાં હાલ ૪૦ જેટલાં સ્થળોએ દરોડાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત ૧૫ બેન્ક લોકર સીઝ કરવામાં આવ્યા છે. જે ખોલતા વધુ રોકડ, દસ્તાવેજ તેમજ દાગીના મળી આવવાની શક્યતા સેવાઈ રહી છે.
આ દરોડામાં હાથ લાગેલા દાગીનાનું મૂલ્ય કઢાવવાનું ચાલુ હોવાથી આંકડો જાણી શકાયો નથી.રાજયના ત્રણ બિલ્ડર ગ્રૃપ રાધે ગ્રુપ, ટ્રોગોન ગ્રૃપ તેમજ ધરતી સાંકેત ગ્રૃપના રાજયમાં જુદા-જુદા સ્થળોએ આવકવેરા વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી હતી. ૧૦૦થી વધુ અધિકારીઓના કાફલાએ એસઆરપીના ચુસ્ત બંદોબસ્ત હેઠળ સર્ચની કામગીરી હાથ ધરી હતી. મૂળ મહેસાણાના ગ્રુપ પણ અમદાવાદમાં તેમના ધંધાના સ્થળો વધુ હોવાથી અમદાવાદમાં ૨૫ સ્થળોએ સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, મોરબીમાં પણ સર્ચની કામગીરી હાથ ધરાઇ હતી.
આ ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ગ્રુપ સાયલન્ટ પાર્ટનર તરીકે જોડાયેલું હોવાથી તેમને ત્યાં પણ સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્ચની કામગીરી દરમિયાન વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. જેની ચકાસણી બાદ કરોડો રૂપિયાની કિંમતના બિનહિસાબી આર્થિક વ્યવહારો મળી આવે એવી સંભાવનાઓ રહેલી છે.દરોડામાં રિયલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્કિટેક્ટ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે. આટલી મોટી કાર્યવાહીને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે.
પ્રાથમિક તપાસમાં આ બિલ્ડરોના ઓન મની વ્યવહારો, બોગસ એન્ટ્રીઓ, જમીનો તેમજ ફ્લેટ વગેરેમાં રોકાણ કરવામાં આવ્યું હોવાનું પણ જણાયું છે. આ દરોડાની કાર્યવાહી હજુ ચાલુ હોવાથી કરચોરીનો આંકડો વધશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.આ પહેલા આવકવેરા વિભાગે ફાઇનાન્સર અને કોન્ટ્રાકટર ગ્રૂપ પર ૧૭ મે, ૨૦૨૪ના રોજ દરોડા પાડ્યા હતા. જેમાં વડોદરા અને અમદાવાદનાં માધવ ગ્રૂપ અને ખુરાના ગ્રૂપનાં ૩૦ સ્થળો પર ઓફિસ અને રહેઠાણો પર દરોડા કર્યા હતા.વડોદરાના ખુરાના ગ્રૂપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ રેડમાં આવકવેરા વિભાગને ૪૦૦ કરોડના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા હતા. આવકવેરા વિભાગે અંદાજે પાંચ કરોડની રોકડ અને ઝવેરાત જપ્ત કર્યુ હતું. જ્યારે વીસથી વધુ લોકરો સીલ કર્યા હતા. આ દરમિયાન ૪૦૦ કરોડથી વધારેના બિનહિસાબી વ્યવહારો બહાર આવ્યા હતા.

