Ahmedabad, તા.૨૧
ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચે આરોપી ડો.પ્રશાંત વજીરાણીને રિમાન્ડ માટે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા ખાસ સરકારી વકીલ વિજય બારોટે એવી દલીલ કરી હતી કે, “હોસ્પિટલમાં સર્ચ દરમિયાન મળી આવેલ ફાઇલોમાં આરોપી ડો.પ્રશાંત દ્વારા તેમના હોદ્દા અને રજીસ્ટ્રેશન અંગેના સ્ટેમ્પ લાગેલ છે જે સ્ટેમ્પ હોસ્પિટલમાં મળી આવેલ નથી તો તે સ્ટેમ્પ ક્યાં છે? કોની પાસે તે સ્ટેમ્પ બનાવ્યો હતો?, અમુક દર્દીઓની ફાઇલમાંથી એન્જીયોગ્રાફી ચાર્ટ મિસીંગ છે તે અસલ એન્જીયોગ્રાફી ચાર્ટ કોની પાસે છે તે આરોપીને સાથે રાખી તપાસ કરવાની છે.” આરોપીને સાથે રાખી મિસીંગ ડોક્યુમેન્ટની તથા પ્રાઇવેટ હોસ્પિટલ અને રહેણાંક મકાનમાં તપાસ કરવાની વાત કરવામાં આવી હતી. સાથે જ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર નાગરભાઈ સેનમા અને મહેશ બારોટની ફાઇલોમાં કોરોનરી એન્જીયોપ્લાસ્ટી તથા કોરોનરી એન્જીયોગ્રાફી રિપોર્ટ ખ્યાતિ મલ્ટી હોસ્પિટલના લેટર પેડ પર બનાવવામાં આવેલ છે જે રિપોર્ટ કોમ્પ્યુટરમાં તૈયાર કરવામાં આવેલ છે તે રિપોર્ટ બનાવટી હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાય આવે છે તે રિપોર્ટ કયા કોમ્પ્યુટરમાં બનાવવામાં આવ્યો અને કયા પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢવામાં આવ્યો તે અંગે તપાસ કરવાની છે. આરોપીના બે મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે તેના કોલ અને વોટ્સ એપ ડેટા ચેક કરવાના છે, આરોપીએ મૃતકોને સ્ટેન્ટ ક્યાંથી મેળવ્યા હતા?, આરોપીએ સંખ્યાબંધ લોકોની એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી છે તો તે કોના કહેવાથી કરી?, આ આખુંય સુઆયોજિત છેતરપિંડીનું કાવતરું છે તેમાં કોણે કયો રોલ ભજવ્યો છે સહિતના મુદ્દાની તપાસ માટે સાત દિવસના રિમાન્ડની જરૂર છે તેવી કોર્ટમાં માંગ કરવામાં આવી હતી.
બીજી તરફ દર્દીઓના સમંતિ પત્ર મળ્યા પરંતુ ડોક્ટરની સહી જ નથી. ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન દર્દીઓની ફાઇલો મળી આવી છે. તેમાં દર્દીઓની સારવાર પહેલાં લીધેલ સમંતિ પત્ર મળી આવ્યા છે જેમાં દર્દી અથવા તેમના સગાની સહી છે. પરંતુ જે સમંતિ પત્ર ઉપર ડોક્ટરના ખાનામાં કોઈની સહી કે નામ નથી તો તે સમંતિ પત્ર કોણે મેળવ્યા, તૈયાર કોણે કર્યા તે મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. જોકે બચાવ પક્ષના વકીલ તરફથી કરાયેલી રજૂઆતને પણ ખોટે ધ્યાનમાં લઈ આરોપી પ્રશાંતને ૨૫ નવેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ આગ્રહ રાખ્યો હતો.
ખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બેંક એકાઉન્ટ અંગે પણ તપાસ કરશે. રિમાન્ડ અરજીમાં ક્રાઇમ બ્રાન્ચે એવી પણ રજૂઆત કરી છે કે, “આરોપી તથા અન્ય લોકોના બેંક એકાઉન્ટની માહિતી મળી છે તે ખાતાઓમાં થયેલ લેવડ દેવડના વ્યવહારોની તપાસ કરવાની છે, આરોપીના એકાન્ટની તમામ વિગતો મેળવી સીએને સાથે રાખી તપાસ કરવાની છે.” હસ્તાક્ષર નિષ્ણાતની પણ મદદ મેળવવામાં આવશે. હોસ્પિટલમાં સર્ચ દરમિયાન કેટલીક ફાઇલો મળી આવી છે જેમાં કેટલાક દર્દીઓની એન્જીયોગ્રાફી ચાર્ટમાં હાથથી લખેલ લખાણ મળી આવ્યું છે તે લખાણ આરોપી ડો. પ્રશાંત પોતાનું હોવાની કબુલાત કરી છે પરંતુ તે અંગે ડો. પ્રશાંતના કુદરતી લખાણના પોલીસ નમૂના મેળવશે અને હસ્તાક્ષર નિષ્ણાતની મદદ લઇ ખરેખર લખાણ કોનું છે તેની તપાસ કરશે.

