Ahmedabad તા.18
ગુજરાત સહીત દેશભરમાં જબરી સનસનાટી સર્જનાર અમદાવાદના ખ્યાતિ હોસ્પીટલ કાંડનો મુખ્ય આરોપી આ જાણીતો તબીબ 65 દિવસ સુધી વિદેશમાં નાસતો-ભાગતો રહ્યા બાદ અંતે તે મોડી રાત્રીનાં અમદાવાદ વિમાની મથકે આવતા જ સમગ્ર કાંડની તપાસ ચલાવી રહેલા અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી છે.
હવે ખ્યાતિ કાંડમાં માસ્ટર માઈન્ડ ગણાતો કાર્તિક પટેલ આ પ્રકરણ ખુલતા જ વિદેશ નાસી ગયો હતો અને અનેક દેશોમાં ફર્યા બાદ અંતે દુબઈમાં હોવાનું જાહેર થયુ હતું કાર્તિક પટેલને ઝડપવા માટે લુકઆઉટ નોટીસ પણ જારી કરતા તેના માટે વધુ નાસવુ ફરવુ મુશ્કેલ બની ગયુ હતું
અંતે ભારત-પરત આવીને અમદાવાદ પોલીસને શરણે થયો હતો તેણે આગોતરા જામીન માટે છેક ગુજરાત હાઈકોર્ટ સુધી પ્રયાસ કર્યા હતા.પણ તમામ અરજીઓ ફગાવતા તેના માટે પરત આવવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.
આ કાંડમાં અત્યાર સુધીમાં પ્રશાંત અમીરાણી હોસ્પીટલના પાર્ટનર રાજશ્રી કોઠારી અને રાજકોટ સહિતના શહેરોમાં હોસ્પીટલ ધરાવતા સંજય પટોળીયા સહીત નવ આરોપી અગાઉ જ ઝડપાયા હતા. કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલીયા, બાદમાં દુબઈમાં રહેવા લાગ્યો હતો અને અહી તેના ખાસ લોકો સાથે સંપર્કમાં હતો તથા તેના ધારાશાસ્ત્રીની આગોતરા જામીન માટે અને કેટલાક રાજકીય કોન્ટેક મારફત પણ તેને રાહત મળે તેવા પ્રયાસો કર્યા હતા.
અમદાવાદની ખ્યાતિ હોસ્પીટલમાં તેમના નેતૃત્વ હેઠળની તબીબી ટીમોએ ગ્રામીણ દર્દીઓની હૃદયનાં બિનજરૂરી ઓપરેશન કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરોડો રૂપિયાની કમાણી કરી હતી અને તેના છેડા છેક ગાંધીનગર સુધી પડયા છે અને માનવતા નેવે મુકીને ફકત નાણા કમાયા છે.
ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્ય-નિદાન કેમ્પ યોજીને તે બિનજરૂરી રીતે દર્દીઓને અમદાવાદ લાવી તેના ઓપરેશન ખ્યાતિ હોસ્પીટલમાં કરાતા હતા જેમાં બે દર્દીના મોત થતા સમગ્ર રેકેટ ખુલ્યુ હતું.તેના નિવાસે પાડેલા દરોડામાં શરાબનો બાર તથા જુગાર રમવાના પોકર પણ મળ્યા હતા.તેના આલીશાન નિવાસમાં આ કાળી કમાણી હોવાનું પણ ખુલ્યુ છે.