Ahmedabad,તા,11
ગુજરાત રાજયના ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ ચિંતાજનક અને પડકારજનક બની રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ સહિત રાજયની નીચલી કોર્ટોમાં પડતર કેસોના આંકડા પણ ચોંકાવનારા સામે આવ્યા છે. જે મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં તાજી સ્થિતિએ આશરે કુલ 1.70 લાખ જેટલા કેસો પડતર બોલી રહ્યા છે, જેમાં 1.15 લાખ જેટલા કેસો દિવાની પ્રકારના છે, તો 54 હજારથી વધુ કેસો ફોજદારી પ્રકારના છે. તો, ગુજરાત રાજયની તમામ જિલ્લા-તાલુકા કોર્ટો મળીને નીચલી કોર્ટોમાં આશરે કુલ 15.62 લાખથી વધુ કેસો પડતર બોલી રહ્યા છે.
પડતર કેસોનો નિકાલ અને કેસોનું ભારણ ઘટાડવાનું કામ રાજય ન્યાયતંત્ર માટે પડકાર સમાનઃ કેસોનો ભરાવો વધ્યો
ઉલ્લેખનીય છે કે, પડતર કેસોના નિકાલ અને કેસોનું ભારણ ઘટાડટવા સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટ પણ ચિંતિત છે અને અવારનવાર આ મામલે દિશાનિર્દેશ જારી કરે છે પરંતુ સામે કેસોનો ભરાવો પણ એટલી જ સંખ્યામાં વધી રહ્યો છે.
ગુજરાત હાઇકોર્ટમાં પડતર કુલ 1.70 લાખ કેસોમાંથી 21 હજાર કેસો એવા છે કે, જે દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી પડતર અને જૂના છે. જયારે 200થી વધુ કેસો 25 વર્ષ કરતાં પણ જૂના છે. ગુજરાત રાજયની નીચલી કાર્ટોમાં પડતર કુલ 15.62 લાખ કેસો પૈકી 77 હજાર જેટલા કેસો દસ વર્ષ કરતાં જૂના છે, જયારે જયારે 4,641 કેસો તો 25 વર્ષ કરતાં પણ જૂના છે.
આ જ પ્રકારે રાજયમાં આવેલી તમામ લેબર કોર્ટોમાં મળી કુલ 41, ૩64 કેસો પડતર છે, જે પૈકી ૩,068 કેસો દસ વર્ષ કરતાં જૂના અને ૩૩8 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના છે. તો, રાજયની ફેમીલી કોર્ટોમાં કુલ મળી આશરે 54 હજારથી વધુ કેસો પેન્ડીંગ છે.
અમદાવાદની ફેમિલી કોર્ટોમાં 11 હજારથી વધુ કેસો પેન્ડિંગ
અમદાવાદ જિલ્લામાં આવેલી તમામ ફેમીલી કોર્ટોમાં કુલ મળી 11,1૩૩ જેટલા કેસો પડતર છે. જે પૈકી દસ વર્ષ કરતાં વધુ જૂના કેસો 2૩ છે. ફેમીલી કોર્ટમાં પણ લગ્નજીવનની તકરાર, બાળકની કસ્ટડી, ભરણપોષણ સહિતના કેસોમાં નોંધપાત્ર સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે.
અમદાવાદની જિલ્લા-તાલુકા કોર્ટોમાં 80 હજાર કેસ
અમદાવાદ જિલ્લા-તાલુકા કોર્ટોમાં કુલ મળી 80,485 જેટલા કેસો પેન્ડીંગ છે, જેમાંથી 8,241 કેસો દસ વર્ષ કરતાં વધુ જૂના અને 1225 કેસો 20 વર્ષ કરતાં જૂના છે. શહેરની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં કુલ 26,784 કેસો પડતર બોલે છે., જે પૈકી 2,958 કેસો દસ વર્ષ કરતાં જૂના અને 42૩ જેટલા કેસો 20 વર્ષ કરતાં જૂના છે.
સુરતમાં પણ ચિંતાજનક સ્થિતિ
અમદાવાદ સિવાય રાજયના અન્ય મોટા શહેરો જેવા કે, રાજકોટ, સુરત, વડોદરાની વાત કરીએ તો, સુરતની વિવિધ કોર્ટોમાં કુલ 1.૩2 લાખ પડતર કેસો છે. જેમાં 6,૩૩2 કેસો દસ વર્ષ કરતાં જૂના અને આશરે 1200થી વધુ કેસો 20 વર્ષ કરતાં જૂના છે. સુરતની ફેમીલી કોર્ટોમાં 5800થી વધુ કેસો પેન્ડીંગ છે. આ જ પ્રકારે રાજકોટની વિવિધ કોર્ટોમાં કુલ 96,412 કેસો પડતર નોંધાયા છે, જેમાં ૩600 જેટલા કેસો દસ વર્ષ કરતાં વધુ સમય જૂના અને આશરે 760 થી વધુ કેસો 20 વર્ષથી વધુ જૂના છે. જયારે ફેમીલી કોર્ટમાં લગભગ ચાર હજાર જેટલા કેસો પેન્ડીંગ છે. તો વડોદરા જિલ્લાની કોર્ટોમાં કુલ મળી 87,962 જેટલા કેસો પડતર બોલી રહ્યા છે, જેમાં 4668 કેસો દસ વર્ષ કરતાં જૂના અને 1180 જેટલા કેસો 20 વર્ષ કરતાં જૂના છે. વડોદરા ફેમીલી કોર્ટોમાં આશરે સાત હજાર જેટલા કેસો પડતર છે.
અમદાવાદની ઘીકાંટા ફોજદારી કોર્ટમાં 4.21 લાખ કેસ
અમદાવાદ શહેરની જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સૌથી વધુ એટલે કે, 4,21,091 કેસો પડતર પડી રહ્યા છે. જે પૈકી 16,૩17 કેસો દસ વર્ષ કરતાં વધુ જૂના અને 4800 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના પડતર છે.