Ahmedabad,તા.15
અમદાવાદના જાહેર રસ્તા ઉપર પાન-મસાલા ખાઈ ગંદકી કરનારાઓના ફોટા સાથે તેમના ધરે ઈ-મેમો મોકલી પેનલ્ટી વસૂલ કરવા મ્યુનિસિપલ તંત્રે નિર્ણય કર્યો છે.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા સી.સી.ટી.વી.કેમેરાનો ઉપયોગ કરી રોડ ઉપર થૂંકીને ગંદકી કરનારા વ્યકિતનો વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં વાઈરલ કરાશે.
સ્વચ્છતા સર્વેક્ષણ -૨૦૨૪ અંતર્ગત અમદાવાદમાં આગામી સમયમાં કેન્દ્રની ટીમ દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે. સર્વેક્ષણ દરમિયાન શહેરને વધુ માર્કસ મળે એ પ્રકારની કામગીરી કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં સ્માર્ટસિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર સાથે કનેકટિવીટી ધરાવતા સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવેલા છે. આ કેમેરાનો ઉપયોગ કરી જાહેર રસ્તા ઉપર પાન-મસાલા ખાઈને ગંદકી કરનારાઓના ફોટા સાથેના ઈ-મેમો તેમના ઘરે મોકલી પેનલ્ટી વસૂલવામાં આવશે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, શહેરને વધુ સ્વચ્છ બનાવવાની દિશામાં રોડ ઉપર થૂંકી ગંદકી કરનારા વ્યકિત પાસેથી રુપિયા સો સુધીની પેનલ્ટી વસૂલ કરાશે.