Ahmedabad,તા.03
સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં ચાલતી ટોચની ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને રિવર્સ ચાર્જ મિકેનિઝમ સર્વિસ હેઠળ સર્વિસ ટેક્સ ભરવા નોટિસ પાઠવવામાં આવી છે. દરેક સ્કૂલ તથા યુનિવર્સિટીઓને અલગ અલગ રકમનો ટેક્સ ભરવા નોટિસ અપાઈ છે પણ સ્કૂલો-યુનિવર્સિટીઓ પાસેથી કુલ 15 કરોડ રૂપિયાની આસપાસ સર્વિસ ટેક્સ નિકળતો હોવાનું વિભાગનાં સૂત્રોએ જણાવ્યું છે.
આ નોટિસોના પગલે કેટલીક સ્કૂલોના સંચાલકો અને માલિકો ચકરાઈ ગયા છે. કેટલીક ઇન્ટરનેશનલ સ્કૂલના માલિકો એવું કહે છે કે, અમે તો આવા કોઈ સર્વિસ ચાર્જ વિશે જાણતા જ નથી. વિવાદ ટાળવા માટે નોટિસ મળ્યા બાદ કેટલીક સ્કૂલોએ અને પ્રાઇવેટ યુનિવર્સિટીએ ટેક્સની રકમ જમા પણ કરી દીધી છે. સર્વિસ ટેક્સ વિભાગનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ઇન્ટરનેશનલ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે એજ્યુકેશન આપવામાં આવતું હોય છે એવા દાવા કરાય છે.
આ દાવાને સાચા સાબિત કરવા વિદેશની જાણીતી ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે કરાર કરીને તેઓ ત્યાંથી પ્રોફેસરોને લેક્ચર માટે બોલાવતા હોય છે. આ ઉપરાંત તેમના વર્કશોપ અને સેમિનાર પણ કરતા હોય છે કે જેનો ચાર્જ વિદેશથી આવતા પ્રોફેસર કે ટીચર લેતા હોય છે. આ જ રીતે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ વિદેશમાંથી પ્રોફેસરો આવતા હોય છે. આ રકમ ચૂકવાય તેનો ટેક્સ ભરવો પડે પણ સ્કૂલો આ ટેક્સ નથી ભરતી તેથી નોટિસ અપાઈ છે.
સ્કૂલોની લુચ્ચાઈ, પોતાની જ કંપની બનાવીને ટેક્સ ચોરીનો ખેલ
સર્વિસ ટેક્સ વિભાગનાં સૂત્રોનું કહેવું છે કે, સંચાલકો ભલે પોતાને ટેક્સની ખબર નથી એવું કહે પણ આ લુચ્ચાઈ છે. મોટા ભાગના કિસ્સામાં એવું બન્યું છે કે ઇન્ટરનેશનલ સ્કૂલ અથવા તો પ્રાઇવેટ યુનિવર્સિટી એક ખાનગી કંપની બનાવી દે છે અને તેને વર્કશોપ સેમિનાર અને લેક્ચર માટેનો કોન્ટ્રાક્ટ આપી દે છે કે જેથી કોઈ ટેક્સ ભરવો ના પડે.
ઇન્ટરનેશનલ સ્કૂલ કે પ્રાઇવેટ યુનિવર્સિટી પોતાની કંપની ખોલીને પોતે જ સર્વિસ લે તો ટેક્સમાંથી રાહત મળી જતી હોય છે અને તેઓને જીએસટીમાં રિટર્ન પણ ફાઇલ કરવું પડતું હોતું નથી. યુનિવર્સિટી કે ઇન્ટરનેશનલ સ્કૂલનું રિટર્ન જીએસટીમાં ફાઈલ થાય તો ઘણી બધી ટેકનિકલ માહિતીઓ પણ આપવી પડતી હોય છે તેથી માહિતી છુપાવવા માટે આવી કંપનીઓ ઉભી કરી દેવામાં આવે છે અને કંપની તેનું જીએસટીમાં રિટર્ન ફાઇલ કરી દેતી હોય છે.