Ahmedabad, તા.૨૮
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરી અને તેમાં પણ ખાસ કરીને હત્યાના ગુનાઓ વધી રહ્યા છે. શહેરના કાગડાપીઠમાં હત્યાનો એક એવો બનાવ બન્યો છે કે જેના વિશે જાણીને સૌકોઈના રૂંવાડા ઉભા થઇ જાય. આ ઘટનામાં પરપ્રાંતીય યુવકે વૃદ્ધની હત્યા કરી મૃતદેહ દુકાનમાં સંતાડી દીધો હતો.અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં જુના ઢોરબજાર કાંકરિયા રોડ પાસે રહેતા હિતેશ શાહ લોન્ડ્રીનું કામકાજ કરે છે. મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરમાં આવેલી તેમની લોન્ડ્રીની દુકાનમાં કામકાજ માટે છ મહિના પહેલા દિનેશ કનોજીયા નામના ઉત્તર પ્રદેશના યુવકને રાખ્યો હતો. યુવક દિવસ દરમિયાન ઈસ્ત્રીકામ કરતો અને સાંજે દુકાનમાલિકના ઘરની બાજુમાં આવેલી અન્ય દુકાનમાં સુઈ જતો હતો. ઉપરાંત દુકાન માલિકના ઘરે જ જમતો હતો. ગત ૨૩ ઓક્ટોમ્બરથી ૨ દિવસ ફરિયાદીનું કામ મૂકી બીજી જગ્યા કામ માટે જતો રહ્યો હતો. ત્યારે માલિક તેને પરત લઇને આવ્યા હતા.બે દિવસથી દુકાન માલિકના ઘરની બહાર એક ઓટોરિક્ષા ઉભેલી જોઇને કારીગર દિનેશને પૂછતા તેણે જણાવ્યું હતું કે રવિભાઈ વાઘેલા તેમની રીક્ષા અહીં મૂકીને જતા રહ્યા છે અને પછી આવીને લઈ જશે. ત્યારબાદ દુકાન માલિકને કંઈક મરી ગયું હોવાની દુર્ગંધ આવતી હતી. દુકાન માલિકે આસપાસમાં તપાસ કરી પરંતુ ક્યાંય કશું જ મળી આવ્યું નહી દુકાન માલિક જયારે પણ પોતાની દુકાનની આસપાસ આવે ત્યારે તીવ્ર દુર્ગંધ આવવા લાગતી હતી.બીજી તરફ કારીગર પણ બે દિવસથી માલિકના ઘરમાં જ સુઈ જતો હતો. જેથી શંકા જતા દુકાન માલિકે પોતાની દુકાન ખોલાવી અને પોલીસને જાણ કરીને તપાસ કરાવતા કાગડાપીઠ પોલીસે તપાસ કરી. પોલીસે તપાસ કરતા હકીકત સામે આવી કે ઈસ્ત્રી કરવાની જગ્યાની બિલકુલ નીચે પથ્થરની નીચે વૃદ્ધનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતા વૃદ્ધના શરીરના ગુપ્ત ભાગો પર તીક્ષણ હથિયારથી ઈજા કરવામાં આવી હોવાના નિશાન પણ મળી આવ્યા હતા.