Ahmedabad, તા.4
તાંત્રિક વિધિ કરી લોકો સાથે છેતરપિંડી કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદમાં વધુ એક આવી ઘટના બની છે. જ્યાં ભૂવાએ તાંત્રિક વિધિ કરી રૂપિયા પડાવી લીધા છે. ભૂવાએ એકના ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. આરોપી સામેની વ્યક્તિને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવી લીધા બાદ પીણું પીવડાવી દેતો હતો.
સાણંદમાં રહેતા અભીજીતસિંહ રાજપૂત ચાંગોદરમાં ફેક્ટરી ધરાવે છે. તેને ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ આપી હતી. ભુવાએ ફેક્ટરીના માલિકને સનાથલ ખાતે 15 લાખ રૂપિયા લઈને બોલાવ્યો હતો.ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને પ્રવાહી પદાર્થમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. ભુવાએ પોલીસ પુત્ર અને ફેક્ટરી માલિકને શકંજામાં લીધો હોવાની જાણ થતા ટેકસી ચાલકે પોલીસને માહિતી આપતા ભુવાને ઝડપી લીધો હતો.
અભીજીતસિંહ સાથે જતાં ડ્રાઈવર જીગર ગોહિલનો ભાઈ 2021માં નવલસિંહના સકંજામાં આવ્યા બાદ તેનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. જેથી જીગરને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. ભુવા નવલસિંહ વર્ષ પહેલા અમદાવાદ રહેવા આવી ગયો હતો. તેમ છતાં તે અવાર નવાર તાંત્રિક વિધિ માટે વઢવાણ જતો હતો.
ચાલુ વર્ષે માર્ચ મહિનામાં નવલસિંહના સકંજામાં આવ્યા વઢવાણના 3 વ્યકિતના શંકાસ્પદ મૃત્યુ થયા હતા. જેથી સરખેજ પોલીસની ટીમ ત્યાં જઈને તે ત્રણેય મૃત્યુની તપાસ કરશે.
આ મામલે ઝોન-7ના ડીસીપીએ જણાવ્યું હતું કે, નવલસિંહ જે પણ વ્યકિતને શકંજામાં લે તેને દારૂમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવી દેતો હતો. આ પીધા બાદ જે તે પીડિત વ્યક્તિ 15 થી 30 મિનિટમાં તેને હાર્ટ એટેક આવી જતો હતો અથવા તો શરીરના અંગો નિષ્ક્રિય થઈ જતા હતા.
જેથી માણસનું એટેક આવવાથી અથવા તો તેની મુલાકાત લીધા બાદ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. લોકોને સકંજામાં લેવા માટે નવલસિંહ યુટ્યુબ ઉપર મોજે માસાણી નામની ચેનલ ચલાવતો હતો.