Ahmedabad,તા,23
થોડા દિવસો પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરને લઈને આપેલા નિવેદનને લઈને ઠેર-ઠેર વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખોખાર વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. જેને કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવ્યું છે.
વહેલી સવારે જ્યારે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ધ્યાને પડ્યું હતું. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી અપમાન કરવામાં આવતાં સ્થાનિક લોકોની લાગણીને ઠેસ પહોંચી છે અને લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.