Ahmedabad ,તા.૭
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યા છે. વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે, અને તેની સીધી અસર નદીઓના જળસ્તર પર જોવા મળી રહી છે.
સાબરમતી નદીની ઉપરવાસમાં આવેલા ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે અમદાવાદના વાસણા બેરેજમાં પાણીની આવક વધી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વાસણા બેરેજના કુલ ૨૭ દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે.
ધરોઈ ડેમ અને સંત સરોવર માંથી પાણી છોડવાના કારણે સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવના છે. આજે સવારે ૬ઃ૩૦ કલાકે ધરોઈ ડેમમાંથી ૯૪,૪૩૨ ક્યુસેક અને સંત સરોવર માંથી ૬૮,૫૮૫ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી વાસણા બેરેજ સુધી પહોંચતા ધરોઈ ડેમના પાણીને ૧૧ થી ૧૨ કલાક અને સંત સરોવરના પાણીને ૧ કલાક જેટલો સમય લાગી શકે છે.
હાલમાં વાસણા બેરેજમાંથી ૩૨,૪૧૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની વધતી આવકને ધ્યાનમાં રાખીને, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના સાબરમતી નદી કિનારાના ગામોને ખાસ સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સ્થાનિક તંત્રએ નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ જાણ કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સંબંધિત સરકારી વિભાગો પણ આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ નદી કિનારે જવાનું ટાળે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. વરસાદી મોસમમાં સલામતીનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

