Ahmedabad,તા.24
પૂર્વ વિસ્તારમાં ધાક જમાવવા માટે અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. ગીતા મદિર બાદ બાપુનગરમાં ગઇકાલે બપોરે રિક્ષા ચાલકે ઉછીના રૃપિયા આપવાની ના પાડતાં આરોપીએ ચાકુના ઘા મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં યુવક રિક્ષામાંથી પેસેન્જર ઉતરાતો હતો ત્યારે આરોપીએ આવીને રૃપિયાની માંગણી કરી ઘાતક હુમલો કર્યો
બાપુનગરમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગર સુંદરમનગર પાસે ખાતે શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરે યુવક રિક્ષામાં પેસેન્જરને લઇને સુંદરમનગર ઉતારવા ગયો હતો. ત્યારે આરોપીએ રિક્ષા ચાલક પાસે આવીને ઉછીના રૃપિયા માંગવા લાગ્યો હતો.
પરંતું ફરિયાદી પાસે રૃપિયા ન હોવાથી આપવાની ના પાડી હતી. જેથી ગાળો બોલીને ઢોર માર મારીને ચાકુના ઘા માર્યા હતા. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ ઘટના અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.