મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસાના ચાર મહિના ગણાય અને તેમાંય અમુક દિવસો જ ભારેથી અતિભારે વરસાદ પડતો હોય છે
Ahmedabad તા.૧૨
શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે ત્યારે દસ જેટલાં મહત્વના અંડરપાસમાં ભરાઇ જતાં પાણીને ઉલેચવા માટે પંપ મુકી તેને ચલાવવા માટે ખાનગી કોન્ટ્રાક્ટરને ૭૫ લાખ રૂપિયા ખટાવવામાં આવશે.મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસાના ચાર મહિના ગણાય અને તેમાંય અમુક દિવસો જ ભારેથી અતિભારે વરસાદ પડતો હોય છે. તે સિવાય અમુકવાર કમોસમી વરસાદ જેવી સ્થિતિ સર્જાતી હોય છે. આવા સંજોગોમાં શહેરના મહત્વના દસ અંડરપાસમાં ચાર પાંચ ફૂટથી લઇને અંડરપાસ આખો છલોછલ થઇ જાય તેટલુ પાણી ભરાઇ જતુ હોય છે.જોકે આશ્ચર્યની વાત એ છે કે, દરેક અંડરપાસનુ નિર્માણ થાય ત્યારે તેમાં ભૂગર્ભ ટાંકી(સમ્પ) અને પંપ મુકવાની જોગવાઇ હોય છે. પરંતુ મ્યુનિ. ઇજનેર ખાતા દ્વારા ભારે વરસાદ અને આસપાસના વિસ્તારનું પાણી અંડરપાસમાં આવતુ હોવાથી ભૂગર્ભ ટાંકીના પંપ પણ પાણી ઉલેચવામાં પહોંચી વળતા નથી તેવા બહાના કાઢવામાં આવે છે. પરંતુ મ્યુનિ. સૂત્રોનુ કહેવુ છે કે, આ સમસ્યા નિવારવા માટે જ અંડરપાસ આગળ જ મોટા ખાડા કરી તેની ઉપર ચેનલ ગોઠવીને બહારથી આવતાં વરસાદી પાણીને રોકી નજીકની ગટર લાઇનમાં નિકાલ કરવા પાછળ પણ લાખો રૂપિયા ખર્ચાઇ ચૂક્યા છે તેમ છતાં દર વર્ષે મોટાભાગના અંડરપાસ પાણી ભરાઇ જવાના કારણે બંધ કરવા પડે છે.અંડરપાસમાં જેટલા પ્રયોગો થાય એટલા કર્યા બાદ હવે ઇજનેર ખાતાએ દસ અંડરપાસમાં દર ચોમાસામાં ખાનગી કોન્ટ્રાક્ટરના પંપ ગોઠવી પાણી ઉલેચવાનો ખેલ ચાલુ કર્યો છે. આ કોન્ટ્રાક્ટર પાસેથી ચોમાસાના ચાર ઉપરાંત વધારાનો એક મહિનો એમ પાંચ મહિના સુધી પંપ અને મેનપાવર ભાડે લેવામાં આવે છે. આગામી મહિનાથી વરસાદ પડવાની શક્યતાઓને ધ્યાને લઇ મ્યુનિ. એસટીપી ખાતાએ પાંચ મહિના માટે દસ અંડરપાસમાં પંપ લગાવી ચલાવવા માટે માનીતા કોન્ટ્રાક્ટર માના ટેકનો કોર્પોરેશનનુ ૭૫ લાખ ૧૬ હજારનુ ટેન્ડર મંજૂર કરી વોટર કમિટી સમક્ષ રજૂ કરી દીધુ છે.મ્યુનિ. સૂત્રોએ કહ્યું કે, શહેરમાં ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડે ત્યારે જ રોડ ઉપર અને અંડરપાસમાં પાણી ભરાતા હોય છે. આ વર્ષો જુની સમસ્યા માટે મહદઅંશે ઇજનેર ખાતુ જ જવાબદાર છે અને દર વર્ષે શહેરીજનોને વરસાદી પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવવાના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે.