ખાનગી કંપનીના મેનેજરે શેરબજારમાં રોકાણ કરી નફો કમાવવાની લાલચમાં ૯૨.૧૦ લાખ ગુમાવ્યા હતા
Ahmedabad, તા.૨૩
સાયબર ગઠિયા ફરી એક્ટિવ થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરના ૯ લોકોને ટાર્ગટ કરી કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા છે. ખાનગી કંપનીના મેનેજરે શેરબજારમાં રોકાણ કરી નફો કમાવવાની લાલચમાં ૯૨.૧૦ લાખ ગુમાવ્યા હતા. જુદા જુદા ટાસ્કમાં રિવ્યૂ આપીને રોજ હજાર રૂપિયા કમાવવાની લાલચ આપી સાયબર ગઠિયાએ અન્ય યુવકના ૧૧.૬૬ લાખ પડાવ્યા હતા. ઉપરાંત, ૮૭ વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને ગઠિયાએ ૨૩ લાખનો ચૂનો લગાવ્યો હતો.મોટેરાના સંપત સેન્ટરમાં રહેતો અંશુમાન ત્રિપાઠી (૩૮) એરપોર્ટની ખાનગી કંપનીમાં મેનેજર છે. ગત માર્ચમાં અશુંમાન ત્રિપાઠીએ ઇન્સ્ટાગ્રામ આઇડીની પર એક જાહેરાત જોઇ હતી. તેના પર ક્લીક કરતાં તે એક વોટસએપ ગ્રૂપમાં એડ થયા હતા. તેના એડમિન તરીકે દીપક રાજ હતા અને નીતા ત્રિવેદી પણ જુદી જુદી ટીપ્સ આપતા હતા. આ ગ્રૂપમાં ૧૮૦ મેમ્બર હતા. દીપક રાજે અંશુમાનને તેના વોટસએપ નંબર પર જુદા જુદા શેરની ટીપ્સ આપવાની શરૂઆત કરી હતી. શેરબજારમાં રોકાણ કરીને તેની પ્રોફાઇલમાં ઘણો નફો થતો હોવાનું પણ જોવા મળતું હતું. અંશુમાને આ ટીમની ટીપ્સને આધારે શેરબજારમાં રૂ. ૯૨.૭૮ લાખનું રોકાણ કર્યું હતું. એક વખત તેણે રૂપિયા વિડ્રો કરવા રિકવેસ્ટ નાખી હતી. આ રિક્વેસ્ટને આધારે તેને રૂ. ૬૮ હજાર પરત મળ્યા હતા. તેણે બીજી વખત રિક્વેટસ મોકલતાં રૂપિયા મળ્યા નહોતા. આમ અંશુમાનને અહેસાસ થયો હતો કે તે છેતરાયો છે. તેને પગલે તેણે પોતાની સાથે સાયબર ગઠિયા દ્વારા કરવામાં આવેલી ૯૨.૧૦ લાખની ઠગાઇ અંગે ફરિયાદ નોંધાવતાં સાયબર ક્રાઇમ બ્રાંચ તપાસ શરૂ કરી છે.શાહીબાગમાં રહેતો સચિન રમેશચંદ્ર ભાવસાર (૩૪) ચાંગોદરની એક કંપનીમાં લોજિસ્ટિક સિનિયર એક્ઝ્યુક્યુટિવ છે. સચિનના ઇન્સ્ટાગ્રામ પર પ્રતિમા નામની યુવતીનો મેસેજ આવ્યો હતો. તેણે ઘરે બેઠા પાર્ટટાઇમ કામ કરીને રોજના ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા કમાવવાની વાત કરી હતી. સચિનને રસ પડતાં તેણે પૂછપરછ કરી ત્યારે સામે છેડેથી જણાવવામાં આવ્યું હતું કે કાર રેન્ટલ સર્વિસ આપતી કંપનીને કાર રિવ્યૂ આપવાના છે. જુદા જુદા ટાસ્કમાં તમને કમિશન મળશે. સચિને સામે છેડેથી જે સૂચના મળી તે મુજબ યૂઝર આઇડી બનાવી કામ શરૂ કર્યું હતું. પહેલા જ ટાસ્કમાં તેને રૂ. ૧૫૦૦ કમિશન મળ્યું હતું. તેથી સચિનને વિશ્વાસ બેઠો હતો. જુદા જુદા ટાસ્કમાં સચિનને રૂ. ૧૭૪૫૨ કમિશન મળ્યું હતું. બાદ એડવાન્સ ટાસ્કમાં તેને રૂપિયા ભરવાનું કહેવામાં આવ્યું હતું. લાલચમાં આવેલા સચિને રૂપિયા કમાવવાની લાલચમાં રૂ. ૧૧.૬૬ લાખ ગુમાવ્યા હતા. આ અંગે તેની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.