Ahmedabad ,તા.26
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડીઆરઆઈની ટીમે 2.35 કરોડનું 3 કિલો દાણચોરીનું સોનુ ઝડપી લીધી હતું. બેંગકોકથી આવેલા મુસાફરે મીની એર કોમ્પ્રેસરમાં સોનુ છુપાવ્યું હતું.
બાતમીને આધારે ટીમે મુસાફરને ઝડપી લઈ દાણચોરીનું સોનુ કબજે લીધુ હતું. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ડીઆરઆઈના અધિકારીઓએ સુરત અને અમદાવાદ એરપોર્ટ પરથી 66 કરોડનું 93 કિલો દાણચોરીનું સોનુ ઝડપી લીધુ છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ફરી સોનાની દાણચોરી શરૂ થઈ ગઈ છે. લગ્નસરા માટેની ખરીદી શરૂ થતા સોનાની માગ વધી છે. તેને પગલે દાણચોરીનું સોનુ લાવતી સ્મગલર ગેંગ એકટીવ બની ગઈ છે. અમદાવાદ ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી કે, બેંગકોકથી એક ભારતીય નાગરિક દાણચોરીનું સોનુ લઈને આવી રહ્યો છે.
આ મુસાફર પોતાની સાથે બે મીની કોમ્પ્રેસરના પિસ્ટનમાં છુપાવીને સોનુ લાવી રહ્યો છે. ફલાઈટ ઉતરતાં જ અધિકારીઓએ મુસાફરને અલગ તારવી તેની પૂછપરછ કરી હતી. જોકે તેણે કોઈ કબૂલાત કરી નહોતી. તેનો સામાન ચેક કરતા તેની પાસેથી દાણચોરીનું સોનુ મળી આવ્યું હતું.
ડીઆરઆઈએ આ સોનુ કબજે લઈ તે કોના માટે સોનુ લાવ્યો છે તેની તપાસ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ 2024માં ડીઆરઆઈ દ્વારા અમદાવાદ અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 66 કરોડનું 93 કિલો દાણચોરીનું સોનું ઝડપી લીધું છે.
એરપોર્ટ પર તમામ મુસાફરો પર વોચ
અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી વધતા કસ્ટમ્સ સહિતની સેન્ટ્રલ એજન્સીઓ એકિટવ થઈ ગઈ છે. તાજેતરમાં જ કસ્ટમ્સની ટીમે એરપોર્ટ પરથી 13.50 કરોડની ઘડીયાળો ઝડપી લીધી હતી. ઉપરાંત, આઠ લાખની ઘડીયાળ અને સિગારેટ પણ ઝડપી લેવામાં કસ્ટમ્સની ટીમને સફળતા મળી છે.
છેલ્લા દિવસોમાં ડિપાર્ટમેન્ટ દ્વારા મોટા પ્રમાણમાં દાણચોરીનું સોનું કબજે કરવામાં આવ્યું છે. આવી ઘટનાઓ બાદ હવે અમદાવાદ એરપોર્ટ પર કોઈ પણ વીવીઆઈપી કે સેલિબ્રિટીનું પણ કસ્ટમ્સ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.