અમદાવાદ,તા.૨૭
અમદાવાદ જિલ્લાના બાવળા નજીક બગોદરા-બાવળા હાઇવે પર આજે વહેલી સવારે એક ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રામનગર ગામના પાટિયા નજીક બંધ પડેલા એક ટ્રકની પાછળની બાજુએ એક પીકઅપ ટેમ્પો ધડાકાભેર અથડાતાં આ ગોઝારી દુર્ઘટનામાં ૪ લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાાણે, પીકઅપ ટેમ્પોમાં સવાર તમામ ૬ લોકો કેટરિંગનો સામાન ભરીને નરોડાથી ભમાસરા ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રામનગર પાટિયા પાસે હાઇવે પર ઊભેલા ટ્રકની પાછળ પીકઅપ ટેમ્પો ઘૂસી ગયો હતો, જેના કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો.
આ ભયાનક અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચાર લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતકોમાં અજય કટારા, પ્રકાશ કટારા, શૈલેષભાઈ અને જ્યોત્સનાબેનનો સમાવેશ થાય છે. જ્યારે ટેમ્પોના ડ્રાઇવર નાઝીર ખાન પઠાણ અને કિશન સરાણીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત બંને લોકોને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ બાવળા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બંધ પડેલા ટ્રકના કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

