Ahmedabad,તા.૧૯
Ahmedabadમાં નવરાત્રિના ગરબા રમવા માટે ટિકિટ ખરીદતા લોકો સાથે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર જાણીતા ગરબા આયોજકોના નામ અને લોગોનો દુરુપયોગ કરીને નકલી પાસ વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમે રાજસ્થાનમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અલગ-અલગ ગરબા ઇવેન્ટના નામે અંદાજે ૬૮૬ પાસ વેચીને આશરે રૂ. ૮ લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતો આપતા, વોટ્સએપ પર ગ્રાહકો સાથે વાતચીત કરતા અને ઈ-મેઇલ દ્વારા બુકિંગ કન્ફર્મેશન મોકલી વિશ્વાસ જીતતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી. આ ઉપરાંત, ગરબા આયોજક કંપનીના નામે નકલી ઈ-મેઇલ આઈડી બનાવી ગરબા ઇવેન્ટના નામ અને લોગોનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ડિસ્કાઉન્ટમાં ટિકિટ આપવાની લાલચ આપીને લોકો પાસેથી ઓનલાઇન નાણાં મેળવવામાં આવતાં હતાં.
આ મામલે ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, વોટ્સએપ નંબર અને ઈ-મેઇલની વિગતોના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી. અંતે રાજસ્થાનમાંથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ માત્ર નકલી પ્રોફાઇલ બનાવીને જ અટક્યા નહોતા. તેઓ મેટા એડ્સ દ્વારા પેઇડ જાહેરાતો આપીને ચોક્કસ વિસ્તારના લોકોને નિશાન બનાવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સંબંધિત પોસ્ટ આશરે ૪૦,૦૦૦ લોકો સુધી પહોંચી હતી.
આરોપીઓએ ચેટજીપીટીની મદદથી પાસ અને પ્રચાર સામગ્રી તૈયાર કરી તેને પ્રોફેશનલ દેખાવ આપવાનો પ્રયાસ કર્યો હતો. પાસને અસલી દેખાડવા માટે બારકોડ અને ઊઇ કોડ જેવી વિગતોનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ ગ્રાહકો વોટ્સએપ પર સંપર્ક કરે ત્યારે ‘વીર રાજપૂત’ નામે વાતચીત કરીને તેમનો વિશ્વાસ જીતવામાં આવતો હતો. પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ અનેક ગરબા ઇવેન્ટના નામે પાસ વેચ્યા હતા. તેમાં ચોકના ગરબા,નવરાત્રિ, રંગ મોરલો, રાતલડી, પંચમના ગરબા સહિતનાં નામ સામેલ છે.
આરોપીઓએ કુલ આશરે ૬૮૬ પાસ વેચીને રૂ. ૮ લાખ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ગ્રાહકો પાસેથી મળેલી રકમ આરોપીના એચડીએફસી બેંક ખાતામાં જમા થતી હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારબાદ મ્યુલ એકાઉન્ટ મારફતે નાણાં ઉપાડવા અથવા અન્યત્ર ટ્રાન્સફર કરવાની પદ્ધતિ અપનાવાઈ હોવાની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપીઓમાંથી એક વિરેન્દ્રસિંહ રાઠોડ સામે અગાઉ ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે. સાયબર ક્રાઇમ પોલીસ આરોપીઓના મોબાઇલ ફોન, ડિજિટલ સાધનો, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને નાણાકીય વ્યવહારોની વધુ તપાસ કરી રહી છે.
નવરાત્રિ દરમિયાન ઓનલાઇન ગરબાના પાસ ખરીદતી વખતે સાયબર છેતરપિંડીથી બચવા માટે પોલીસે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ગરબા આયોજકની સત્તાવાર વેબસાઇટ અથવા અધિકૃત માધ્યમથી જ ટિકિટ ખરીદો. ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર નામ અને લોગો જોઈને જ વિશ્વાસ ન કરો.બજારભાવ કરતાં ખૂબ ઓછા ભાવે પાસ આપવાની ઓફરથી સાવધાન રહો.

