New Delhi,તા.11
અમદાવાદમાં 12મી જૂને એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાને 2 મહિના થઈ ગયા છે, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી વળતરની રકમ મળી નથી. પીડિતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝનું કહેવું છે કે, ‘જો રતન ટાટા જીવીત હોત તો વળતર આપવામાં આટલો વિલંબ ન થયો હોત.’
રતન ટાટા અંગે અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝએ કહ્યું કે, ‘અમેરિકામાં પણ અમે જાણીએ છીએ કે રતન ટાટા કોણ હતા. તેમની કાર્યશૈલી અને કર્મચારીઓ પ્રત્યેનો તેમનો સંભાળ રાખનાર સ્વભાવ બધા જાણે છે. અમને વિશ્વાસ નથી આવી રહ્યો કે AI171ના પીડિતોને વળતર આપવામાં કઈ અમલદારશાહી પ્રક્રિયા અવરોધરૂપ બની રહી છે, જેના કારણે વળતરમાં આટલો વિલંબ થઈ રહ્યો છે?’
મીડિયા સાથે વાતચીત કરતા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝે કહ્યું કે, ‘રતન ટાટાએ ક્યારેય વળતર આપવામાં વિલંબ કર્યો નથી. આ દર્શાવે છે કે જો તેઓ જીવતા હોત, તો AI171 વિમાન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા પછી પીડિત પરિવારોને આટલો સંઘર્ષ ન કરવો પડત.’
પીડિતો અંગે અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝએ કહ્યું કે ‘અમે એક દુઃખી પરિવારને મળ્યા. એક વૃદ્ધ માતા પથારીવશ છે. તે સ્વાસ્થ્ય સંભાળ માટે તેના પુત્ર પર નિર્ભર હતી. હવે તે મૃત્યુ પામ્યો છે. તેમને કોઈ વળતર મળી રહ્યું નથી. હવે તેઓએ શું કરવું જોઈએ?’
12મી જૂનના રોજ અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ તમામ પીડિતોને એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. બાદમાં વધારાના ૨૫ લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. 26મી જુલાઈના રોજ એર ઈન્ડિયાએ 26 લાખ રૂપિયાની રકમ જાહેર કરી હતી. આ રકમ 229 મુસાફરોના 147 પરિવારોને આપવામાં આવી છે. જોકે, પીડિતોને હજુ સુધી ૧ કરોડ રૂપિયાનું વળતર મળ્યું નથી.