Ahmedabad,તા.2
ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં થયેલા કૌભાંડના મુખ્ય આરોપી અને ચેરમેન કાર્તિક જશુભાઈ પટેલની નિયમિત જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. આ નિર્ણય સામે કાર્તિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી કરી છે, જેની સુનાવણી આગામી 3જી તારીખે હાથ ધરવામાં આવશે.
સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવી છે કે કાર્તિક પટેલ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર છે અને તેની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. ઉપરાંત, તેની સામે અગાઉ પ્રોહિબિશન એક્ટ અને અન્ય બે ગુના પણ નોંધાયેલા હોવાથી તેને જામીન ન આપવા જોઈએ.
હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કાર્તિક પટેલે એવી દલીલ કરી હતી કે તે હોસ્પિટલનો માત્ર આર્થિક માલિક છે અને રોજિંદી પ્રવૃત્તિઓમાં તેની કોઈ સંડોવણી નથી. તેણે આ સમગ્ર કૌભાંડનો દોષનો ટોપલો સર્જન ડોક્ટર પ્રશાંત વજીરાણી પર ઢોળી દીધો હતો.
જોકે, સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, કાર્તિક પટેલની સૂચનાથી જ ગરીબ અને અભણ દર્દીઓને લાવીને તેમની ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી જેવા બિનજરૂરી ઓપરેશનો કરવામાં આવતા હતા. આ કૌભાંડની જાણકારી હોવા છતાં તેણે મદદગારી કરી હતી.
ફરિયાદ નોંધાયા બાદ તે ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગી ગયો હતો, જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે. તેને જામીન આપવામાં આવે તો તે પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડાં કરી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. કૌભાંડની તપાસ દરમિયાન એવા ચોંકાવનારા ખુલાસા થયા છે કે કાર્તિક પટેલ દર્દીઓની સંખ્યા વધારવા માટે ડોક્ટરો અને માર્કેટિંગ ટીમને ધમકાવતો હતો.
એક ડોક્ટરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, દર્દીઓનો પ્રવાહ ઘટતા કાર્તિક પગાર રોકવાની ધમકી આપતો હતો. આ હોસ્પિટલમાં કબજિયાત અને ઘૂંટણના દુખાવા જેવી સામાન્ય તકલીફ ધરાવતા દર્દીઓને પણ ખોટા ભય બતાવીને બિનજરૂરી સ્ટેન્ટ મૂકી દેવામાં આવતા હતા, જેના કારણે ત્રણ નિર્દોષ દર્દીઓના મૃત્યુ થયા હતા.