Ahmedabad તા.30
રાજયના વિકાસમાં હવે સૌરાષ્ટ્રને સૌથી વધુ મહત્વ આપવા તૈયારી છે ખાસ કરીને રાજયના પાટનગર સમાન અમદાવાદ અને સૌરાષ્ટ્રની રેલ તથા રોડ કનેકટીવીટી વધારવા માટે આગામી સમયમાં મોટુ આયોજન છે અને ખાસ કરીને 2027ની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રને હવે યુપી અને મહારાષ્ટ્ર સ્ટાઈલના એકસપ્રેસ વે ની ભેટ મળશે.
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં અમદાવાદથી સોમનાથ સુધીનો એકસપ્રેસ વે બનાવવા તૈયારી છે અને તેની સાથે સોમનાથ દ્વારકાનું પણ હાલનો ધોરી માર્ગ એકસપ્રેસ વે બનશે જેના કારણે અમદાવાદથી સોમનાથનો પ્રવાસ ફકત ચાર કલાકમાં થઈ જશે એટલું જ નહીં સોમનાથ દ્વારકાનો પ્રવાસનો સમય પણ 30 ટકા જેટલો ઘટશે અને ઈંધણ સહિતના ખર્ચમાં અંદાજે રૂા.1 લાખ કરોડની બચત થશે.
જયારે રાજયની 45 ટકા જનતાને તેનો લાભ મળશે. રાજયની ભૂપેન્દ્ર પટેલ સરકારે આગામી સમયમાં ગુજરાતમાં પણ ઈન્ટર કનેકટીવીટીમાં એકસપ્રેસ વેની તૈયારી કરી છે. અને 1110 કિલોમીટરના માર્ગો જે 13 જીલ્લાઓને જોડે છે તેને પૂર્વ-પશ્ર્ચિમ અને ઉતર-દક્ષિણ કોરીડોર હેઠળ આવરી લેવાશે જેને નમો શકિત એકસપ્રેસ વે તરીકે ઓળખાશે.
આ સમગ્ર પ્રોજેકટ પાછળ રૂા.93240 કરોડનો ખર્ચે કરવા રાજય સરકારે નિર્ણય લીધો છે અને ટુંક સમયમાં તે અંગેની ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરાશે. આ ઉપરાંત રાજયોમાં નમો શકિત એકસપ્રેસ વેમાં મેગા પ્રોજેકટ સામેલ કરાયા છે.
જેમાં ડીસાથી સુરેન્દ્રનગર 220 કી.મી.નો માર્ગ રૂા.18480 કરોડ, સુરેન્દ્રનગરથી કુંકાવાવ 211 કિ.મી. રૂા.17724 કરોડ, રાજકોટથી દ્વારકા 209 કિ.મી. રૂા.15556 કરોડ, રાજકોટથી પોરબંદર 190 કિ.મી. રૂા.15960 કરોડ, અમદાવાદથી રાજકોટ 170 કી.મી. રૂા.14280 કરોડ, જેતપુરથી સોમનાથ 110 કી.મી. રૂા.9240 કરોડનો ખર્ચ કરાશે.
આ માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનને જવાબદારી સોંપવામાં આવી છે અને આ માટે બ્લુપ્રીન્ટ તૈયાર કરવા આદેશ અપાયો છે અને અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાને આવરી લેવાશે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય બંદરો વચ્ચેની કનેકટીવી પણ વધારાશે જેના કારણે નિકાસ પ્રક્રિયા પણ ઝડપી બનશે.
આ નવી કોરીડોર અંબાજી, ધરોઈ, પોલો ફોરેસ્ટ, મોઢેરા, બહુચરાજી, દ્વારકા, પોરબંદર, સોમનાથના ધાર્મિક સ્થળો ઉપરાંત રાજકોટ શાપર ઈન્ડ. એરીયા સહિતના વિસ્તારોને આવરી લેશે.