Ahmedabad ,તા.2
માઉન્ટ આબુના આરણા હનુમાન મંદિર પાસે એક દુ:ખદ ઘટના બની છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારના રહેવાસી બિપિનભાઈ પટેલ યુવક સેલ્ફી લેતી વખતે સંતુલન ગુમાવી 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી જતા મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તરત જ માઉન્ટ આબુ પોલીસને સૂચના આપી હતી. પોલીસ અધિકારી પ્રદીપ ડાગા નાગર સહિત પાલિકા ડિઝાસ્ટર ટીમના સભ્યો, સ્કાઉટ્સ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બચાવ કામગીરી લગભગ એક કલાક સુધી ચાલી હતી. બચાવ ટીમના સભ્યો 300 ફૂટ ઊંડી ખાઈમાં ઉતર્યા હતા.બિપિનભાઈને જીવિત બહારકાઢ્યાં હતા. પરંતુ ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલ લઈ જતી વખતે બિપિન પટેલનું મૃત્યુ થયું હતું.
બચાવ ટીમના સભ્યો જયારે બિપિન પટેલ સુધી પહોંચ્યા હતા ત્યારે તે જીવિત હતા અને બચાવ ટીમના સભ્યો સાથે વાતચીત પણ કરતા હતા. સ્થાનિક ડોક્ટર કહ્યુ છે કે એમા કોલ આવ્યો હતો કે કોઈ એક પ્રવાસી ખીણમાં પડી ગયા છે. તો તેમના માટે અમે 108 એમ્બ્યુલન્સ મોકલી હતી અને તેમને અહીં લાવવામાં આવ્યા હતા. પરંતુ જેવા તે હોસ્પિટલમાં પહોંચ્યા, અમે તેમને તપાસ્યા તો તે મૃત અવસ્થામાં જણાયા હતા.
તેમને ખૂબ જ વધારે બ્લીડિંગ થયું હતું અને માથામાં પણ બહુ ઊંડી ઈજા થઈ હતી. જેના કારણે હેમરેજને લીધે તેમનું મૃત્યુ થયું હતું. હાલમાં મૃતદેહને ગ્લોબલ હોસ્પિટલના શબઘરમાં (મોર્ચરીમાં) રાખ્યો છે. જો તેમના સાથીઓ આવી જાય અને તેમની પરવાનગી મળશે તો પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
બિપિનભાઈની સાથે આબુ ફરવા ગયેલા બે મિત્રોમાંથી પ્રત્યક્ષદર્શી અલ્પેશ પેટેલે ઘટના અંગે કહ્યું કે બિપિનભાઈ સેલ્ફી પાડી રહ્યા હતા અને એમનો પગ લપસી ગયો એટલે સીધા નીચે જતા રહ્યા.
હાલમાં રાજ્યમાં ચોમાસુ સક્રિય છે અને ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. આવા સમયે માઉન્ટ આબુની લીલી ખીણો પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ ઘણા લોકો ખતરનાક સ્થળોએ સેલ્ફી લેવાનું જોખમ ઉઠાવે છે.