California,તા.22
સ્ટેનફોર્ડ અને આર્ક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ એવું કામ કર્યું છે જે વિજ્ઞાનની દુનિયામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સાથે પ્રથમ વખત વાયરસનું જીનોમ બનાવ્યું છે.
અત્યાર સુધી, એઆઈની મદદથી પ્રોટીન અથવા નાના જનીન પ્રણાલીઓ બનાવવામાં આવી હતી, પરંતુ આખું જીનોમ તૈયાર કરવું વધુ મુશ્કેલ હતું. આ માટે વૈજ્ઞાનિકોએ બેક્ટેરીયોફેજ ફાઇ-એક્સ-174 નામના વાયરસની પસંદગી કરી હતી.
આ વાયરસ અસરકારક રીતે ઇ. કોલી બેક્ટેરિયાનો નાશ કરી શકે છે, જે આપણાં આંતરડામાં રહે છે. જો કે તે પાચનમાં મદદગાર છે, પરંતુ જ્યારે ચેપ લાગે ત્યારે તે ઝાડા અને ફૂડ પોઇઝનિંગનું કારણ બને છે.
તેનું જીનોમ નાનું છે, પરંતુ ખૂબ જ રસપ્રદ છે. પ્રથમ વખત, જીનોમ સંપૂર્ણપણે અઈં દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. જીનોમ એ કોઈપણ સજીવનો સંપૂર્ણ નકશો છે, જેમાં તે કેવી રીતે વધશે, પોતાની નકલ બનાવશે અને ટકી રહેશે તે વિશેની માહિતી છે.
દવાઓમાં અસરકારક
આ બાયોટેકનોલોજીમાં એક નવા યુગની શરૂઆત છે. આ આગામી સમયમાં નવી સારવાર અને દવાઓની શોધને વેગ આપી શકે છે.
હજારો વાયરસના જીનોમ પર ટ્રેન્ડ
વૈજ્ઞાનિકોએ આ માટે ઇવો નામનાં એઆઈ મોડલનો ઉપયોગ કર્યો હતો. આ મોડેલને હજારો વાયરસના જીનોમ પર તાલીમ આપવામાં આવી હતી જેથી તે ફાઇ-એક્સ -174 ની રચનાને સમજી શકે.
આ પછી એઆઈને આ વાયરસની નવી ડિઝાઇન બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. એઆઈએ હજારો સંભવિત જીનોમ બનાવ્યાં, જેમાંથી વૈજ્ઞાનિકોએ તપાસ પછી જીનોમ પસંદ કર્યો હતો.