New Delhi,તા.02
ભારતીય વાયુસેના (IAF) બીજી અને ત્રીજી સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત નજીક અરબી સમુદ્રમાં યુદ્ધાભ્યાસ શરુ કર્યો છે. આ યુદ્ધાભ્યાસ પાકિસ્તાનના કરાચી એરસ્પેસથી માત્ર 200 નોટિકલ માઇલ (370 કિ.મી.) દૂર શરુ કરાયો છે. ભારતીય વાયુસેનાએ યુદ્ધાભ્યાસને ધ્યાનમાં રાખીને નોટિસ ટુ એર મિશન (NOTAM) જાહેર કર્યું છે. જે વિમાનોને માર્ગ બદલવા માટે સંકેત આપે છે.
NOTAM સરળ શબ્દોમાં કહીએ તો, તે વાયુસેનાઓને સંકેત આપે છે કે કોઈ ચોક્કસ વિસ્તારમાં અસામાન્ય પ્રવૃત્તિઓ થશે, જેમ કે હથિયાર પરીક્ષણ અથવા યુદ્ધાભ્યાસ. તે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન કન્વેન્શન (CICA) હેઠળ જાહેર કરવામાં આવે છે. નોંધનીય છે કે, NOTAM મોટો યુદ્ધાભ્યાસ માટે જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વખતે યુદ્ધાભ્યાસનો વિસ્તાર પાકિસ્તાનના કરાંચીથી લગભગ 200 નોટિકલ માઇલ દૂર છે, જે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને અમેરિકાએ અલાસ્કામાં અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરુ કર્યો છે. બંને દેશો વચ્ચે 1થી 14 સપ્ટેમ્બર દરમિયાન અલાસ્કામાં યુદ્ધાભ્યાસ યોજાઈ રહ્યો છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ લખ્યું, ‘ભારતીય સેનાની એક ટુકડી યુદ્ધાભ્યાસ 2025(1થી 14 સપ્ટેમ્બર)ના 21મા સંસ્કરણ માટે ફોર્ટ વેનરાઇટ, અલાસ્કા પહોંચી ગઈ છે. યુએસ 11મા એરબોર્ન ડિવિઝનના સૈનિકો સાથે, હેલિબોર્ન ઓપરેશન્સ, પર્વતીય યુદ્ધ, UAS/કાઉન્ટર-UAS અને સંયુક્ત વ્યૂહાત્મક યુદ્ધાભ્યાસમાં તાલીમ લેશે – જેનાથી UN PKO અને મલ્ટી-ડોમેન તૈયારીને પ્રોત્સાહન મળશે.’
ભારતીય વાયુસેનાનો બે દિવસીય યુદ્ધાભ્યાસ આજે (બીજી સપ્ટેમ્બર) સવારે 11 વાગ્યે ગુજરાત અને રાજસ્થાન નજીક અરબી સમુદ્રમાં શરુ કરાયું છે. જે ત્રીજી સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રહેશે. અરબી સમુદ્રમાં આ કોરિડોર સંવેદનશીલ છે કારણ કે પાકિસ્તાનનું એરસ્પેસ ત્યાંથી પસાર થાય છે. આ યુદ્ધાભ્યાસ ભારતની વ્યૂહાત્મક તૈયારી દર્શાવે છે.