Nepal, તા.11
નેપાળમાં છેલ્લા ત્રણ દિવસમાં સામાજિક રાજકીય ઉથલપાથલ, અરાજકતા, હિંસાને પગલે ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ થઈ ગયું હતું. જે હવે ફરી ખુલ્યું છે. નેપાળમાં ફસાયેલા ભારતીય લોકોને એર ઈન્ડિયા અને ઈન્ડિગોની ઉડાનો ભારત પરત લાવવા ઉડાનોનું સંચાલન કરશે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ નેપાળમાં ઉથલપાથલ- અરાજકતા, હિંસાના દોરમાં અનેક ભારતીયો ફસાઈ ગયા હતા જેના કારણે ઉડાનો બંધ કરાઈ હતી. હવે નેપાળે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનોનું સંચાલન કરવાની મંજૂરી આપી છે.
એર ઈન્ડિયા આજે અને આવતીકાલે દિલ્હીથી કાઠમંડુ અને ત્યાંથી પરત માટે વિશેષ ઉડાનોનું સંચાલન કરશે. એરલાઈને કહ્યું છે કે અમારી નિયમીત ઉડાન સેવાઓ પણ આવતી કાલથી શરૂ થઈ જશે.
બીજી બાજુ ગુજરાત સરકારે પણ નેપાળમાં ફસાયેલા પોતાના નાગરિકો સુરક્ષિત પરત આવે તેવી કેન્દ્ર સરકારને માંગ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટવીટ કરી આ જાણકારી આપી છે. રાજયમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ગુજરાતને આશ્વાસન આપ્યું છે કે નેપાળમાં ફસાયેલા બધા ભારતીયોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.