New Delhi, તા.7
પાટનગર દિલ્હીમાં શિયાળા સમયે જે રીતે પ્રદુષણની સમસ્યા સર્જાઇ રહી છે અને અનેક પ્રયાસો છતાં તેમાં હજુ સુધી કોઇ સુધારો થયો નથી તે વચ્ચે ફરી એક વખત દિલ્હી અને નેશનલ કેપીટલ રીજયોન (એનસીઆર)માં હવાના પ્રદુષણનો AQI 350ને પાર થઇ જતા પાટનગર વધુ એક વખત ગેસ ચેમ્બર જેવી સ્થિતિમાં ધકેલાઇ હોવાના સંકેત છે.
દિલ્હીના આનંદવિહારમાં AQI 329 નોંધાયો હતો. આ ઉપરાંત જહાંગીરપુરી મુંડકા, ગુરૂગ્રામ, ગાઝીયાબાદ અને નોઇડામાં પણ હવાનું પ્રદુષણ ચેતવણીના સ્તરથી આગળ વધી ગયું હતું. સવારે 7 વાગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડે દિલ્હીના બવાનામાં AQI 366 નોંધ્યો હતો.
એરપોર્ટ પર તે 266 હતો અને પંજાબીબાગમાં 344 AQI નોંધાયો હતો. આમ સવારથી દિલ્હીની હવામાં પ્રદુષણ વધવા લાગતા શાળાએ જતા બાળકો અને અન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે.
વધુ એક વખત લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું બહાર આવ્યું છે. દિલ્હી તંત્રએ માર્ગ પર પાણી છાંટવા, કચરાને સળગતો રોકવા સહિતના ઉપાયો શરૂ કર્યા છે.

