Gandhinagar,તા.14
આ વર્ષે સ્વતંત્રતા દિવસ અને સાતમ આઠમના તહેવારો એક સાથે આવે છે અને તેના કારણે ગુજરાતમાં આ તહેવારો દરમ્યાન જે રીતે લગભગ એક સપ્તાહ સુધી મેળા અને અન્ય ઉત્સવોનું વાતાવરણ બની જાય છે તે વચ્ચે આ મીની વેકેશનનો લાભ લેવા માટે ગુજરાતીઓ પોતાના ટુર પ્રોગ્રામ પણ બનાવે છે.
જેમાં આ વર્ષે ગોવા ભણી ધસારો વચ્ચે તેવા સંકેત છે. ગોવા એ કેસીનાનું રાજય પણ છે અને ગુજરાતીઓ સાતમ આઠમના તહેવારો પાટલા માંડીને બેસી જાય છે પણ રાજયમાં જુગારધારા હેઠળ પોલીસ પણ ત્રાટકી શકતી હોવાથી ગોવામાં હવે સાતમ આઠમ બનાવવા ગુજરાતીઓનો ધસારો વધ્યો છે તેના કારણે દુબઈ કરતા ગોવાનું ભાડુ વધુ ઉંચુ એરલાઈન વસુલી રહી છે.
તા.15 ઓગષ્ટ અને ત્યારબાદ સાતમ આઠમની રજા આવશે જે સમયમાં અમદાવાદથી ગોવાનું ભાડુ રૂા.28000 સુધી પહોંચી ગયું છે જયારે દુબઈ માટે રૂા.21000નું એરફેર વસુલાઈ રહ્યું છે. અમદાવાદથી ગોવા ભણી જતી તા.14થી 18 વચ્ચેની તમામ ફલાઈટોમાં આ રીતે ઉંચા વિમાની ભાડાના બુકીંગ
થયા હોવાનો અહેવાલ છે.
દુબઈમાં રીટર્ન ભાડુ પણ રૂા.21000 જેવું છે. જયારે તમે દહેરાદુન જવા ઈચ્છતા હોય તો રૂા.17 હજાર, ચેન્નઈનું રૂા.10 હજાર, મુંબઈનું રૂા.10 હજાર અને જયપુર માટે રૂા.9 હજાર જેવું ભાડુ ચાલે છે પરંતુ આ સીઝનમાં રસપ્રદ રીતે ગુજરાતીઓનો ગોવા ભણી ધસારો જોવા મળી રહ્યો છે.
અનેક પ્રવાસીઓએ પોતાના આંતરરાષ્ટ્રીય પ્રવાસોને બદલે ગોવા ભણી જવામાં વધુ રસ દાખવ્યો હોય તેવું જણાય છે અને તેના કારણે ગોવામાં હોટલ ભાડા પણ હવે ઉંચા હશે તેવા સંકેત છે.
તા.13 ઓગષ્ટથી આ પ્રકારના આયોજનો શરૂ થયા છે જેમાં માલદિવ, બાલી, શ્રીલંકા નજીકના દેશોમાં લોકોનો ધસારો છે. તો રોડ ટ્રીપમાં માઉન્ટ આબુ, ઉદેપુર વગેરે બાજુ વધુ લોકો જશે તેવું માનવામાં આવે છે. ખાસ કરીને આ તહેવારો દરમ્યાન વ્યાપારી પ્રવૃતિ ઘટી જાય છે મેળા સહિતના કારણે લોકો સ્થાનિક અને આસપાસના સ્થળોએ પણ દોટ મુકે છે.