Maharashtra,તા.28
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે (28 જાન્યુઆરી, 2026) વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આ અહેવાલથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશના રાજકીય આલમમાં શોકની લહેર ફરી વળી છે. પ્રશાસન પર જબરદસ્ત પકડ ધરાવતા અજિત પવાર એક રેકોર્ડબ્રેક રાજકીય કારકિર્દી અને એક અધૂરી ઈચ્છા સાથે વિદાય પામ્યા છે.અહેવાલો અનુસાર, અજિત પવારની એક ઈચ્છા કાયમ માટે અધૂરી રહી ગઈ તે હતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (CM) બનવાની. તેમણે અનેકવાર સાર્વજનિક મંચ પરથી પોતાની આ વેદના વ્યક્ત કરી હતી. શરદ પવારથી અલગ થઈને NCPમાં બળવો કર્યા બાદ તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે, ‘જો હું શરદ પવારનો પુત્ર હોત, તો શું મને મુખ્યમંત્રી બનવાની તક ન મળી હોત? મને ચોક્કસ મળી હોત. ફક્ત શરદ પવારનો પુત્ર નથી એટલે મને અન્યાય થયો છે.’
મહારાષ્ટ્રના ઈતિહાસમાં સૌથી વધુ 6 વખત નાયબ મુખ્યમંત્રી બનનારા અજિત પવાર એકમાત્ર નેતા હતા. તેમની રાજકીય કુશળતા એવી હતી કે વિચારધારા અલગ હોવા છતાં તેઓ દરેક સરકારમાં અનિવાર્ય રહ્યા. વર્ષ 2010માં પૃથ્વીરાજ ચવ્હાણ સરકારમાં પ્રથમવાર પદ સંભાળ્યું. વર્ષ 2019માં દેવેન્દ્ર ફડણવીસ સાથેની રાતોરાત બનેલી ટૂંકી સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા. મહા વિકાસ અઘાડીમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પણ આ જ જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે જોડાઈને ફરી જવાબદારી નિભાવી હતી.
અજિત પવાર બારામતી વિધાનસભા બેઠક પરથી સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જમીની સ્તરના કાર્યકરોમાં તેમની લોકપ્રિયતા પ્રચંડ હતી. પક્ષમાં ભંગાણ સર્જીને તેમણે NCP (અજિત પવાર જૂથ)ની સ્થાપના કરી અને ચૂંટણી પંચ પાસેથી અસલી NCPનું નામ અને ચિન્હ પણ મેળવ્યું હતું.

