Mumbai, તા.15
આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સના કારણે ટેકનોલોજી હવે હાથવગી થઇ ગઇ છે અને તેનો વ્યાપકપણે દુરૂપયોગ પણ થઇ રહ્યો છે. જેમાં સાયબર ક્રાઇમના કારણે લોકોના લાખો કરોડો રૂપિયા તેમના બેંક ખાતામાંથી ઉસેડાઇ રહ્યા છે.
તો બીજી તરફ બોલીવુડના સિતારાઓની એ ચિંતા છે કે તેમના તસ્વીરો, વિડીયો, સંવાદો અને અન્ય જે બૌધ્ધિક સંપદા છે તેનો દુરૂપયોગ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ મારફત કરીને તેઓ માટે મુશ્કેલ સ્થિતિ બનાવી રહ્યા છે જેના કારણે એક બાદ એક બોલીવુડ સિતારાઓ પોતાના પર્સનાલીટી રાઇટસ અદાલતમાં જઇને સુરક્ષીત કરી રહ્યા છે.
હવે આ યાદીમાં અભિનેતા અક્ષયકુમાર અને ઋત્વિક રોશનનો પણ સમાવેશ થયો છે. તેઓએ મુંબઇ હાઇકોર્ટમાં એક અરજી કરીને તેમના પર્સનાલીટી રાઇટસનો ઉપયોગ એટલે કે પોતાના વ્યકિતત્વ સાથે જોડાયેલા તમામ ઇમેજ, વિડીયો, સંવાદ અને અન્ય તમામ ડિજીટલ એસેટસનો કોઇ એઆઇનો ઉપયોગ કરી શકે નહીં તે માટે સુરક્ષા માંગી છે.
અગાઉ અમિતાભ બચ્ચનથી લઇ પુરા બચ્ચન ફેમીલીએ પણ આ પ્રકારે પોતાના પર્સનાલીટી રાઇટસ સુરક્ષીત કર્યા છે. ઋત્વિક રોશને દિલ્હી હાઇકોર્ટમાં એક અલગથી અરજી કરીને આ પ્રકારે સુરક્ષા માંગી છે.
અક્ષયકુમાર 150થી વધુ ફિલ્મો કરી છે અને તેનું પર્સનાલીટી રાઇટસ અક્ષય ભાટીયાના જ્યારે ફિલ્મોમાં તે અક્ષયકુમારના નામે પોતાની ખ્યાતિ ધરાવે છે અને આ પ્રકારે બંને નામ સાથે તેની જે ઇમેજ, તેનો અવાજ, તેની પસંદગી, તેની સ્ટાઇલ અને અન્ય બાબતો જે તેના વ્યકિતત્વ સાથે જોડાયેલી છે તેમાં તમામમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ સામે સુરક્ષા માંગી છે.
ઋત્વિક રોશને પણ તેની આ પ્રકારની પર્સનાલીટી એસેટસનો વ્યાપકપણે દુરૂપયોગ થઇ રહ્યો છે તે સાથે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. ખાસ કરીને એઆઇ જનરેટેડ વોઇસ ઓવર, ડીપફેક ઇમેજ, વિડીયો અને અન્ય સંવાદો કે જે તે બોલ્યા હોય તેને અન્ય પરિસ્થિતિ સાથે સાંકળીને સોશ્યલ મીડિયામાં દર્શાવાઇ રહ્યું છે તે અંગે પણ પોતાના પુરાવા માંગ્યા છે. આ જ રીતે આશા ભોસલે, સુનિલ શેટ્ટી પણ હાઇકોર્ટમાં ગયા છે.