Mumbai,તા.3
હોરર કોમેડી ફ્રેન્ચાઇઝી, ભૂલ ભુલૈયા (બીબી)ના આગામી ભાગ વિશે ઘણી ચર્ચા છે. તાજેતરમાં ડાયરેક્ટર અનીસ બઝમીએ એક વર્ષ અગાઉ રજૂ થયેલી ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ ભૂલ ભુલૈયા 4 પર કામ કરવા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. બઝમીએ કહ્યું કે “વાર્તા પર કામ શરૂ થયું નથી, પરંતુ અમે બીબી2 અને બીબી3 બનાવ્યાં છે, તેથી આપણે બીબી4 બનાવવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે વાટાઘાટો ચાલુ છે, પરંતુ હજી સુધી કંઇ નક્કર બન્યું નથી. રૂહ બાબા તરીકે કાર્તિક આર્યને એક મજબૂત છબી બનાવી છે. તો કાર્તિક તો હોવો જ જોઈએ.
જયારે તેઓને પુછવામાં આવ્યું કે ‘ભૂલ ભુલૈયા’ના મુખ્ય અભિનેતા અક્ષય કુમાર અને કાર્તિકને આગામી ફિલ્મ માટે સાથે લાવવાની સંભાવના છે કે કેમ, ત્યારે બઝમીએ કહ્યું કે “આ એક શાનદાર વિચાર છે.
આ દરમિયાન ભૂષણ કુમાર (પ્રોડ્યુસર) અને મેં વાતચીત કરી હતી અને અમે ચર્ચા કરી હતી કે શું અમે તે કરી શકીએ છીએ. અક્ષયને તે નારંગી પોશાકમાં અને કાર્તિકને તે કાળા રંગમાં એકબીજાની સામે ઉભા રહેવા એ જોવું ખરેખર શાનદાર રહેશે.

