Saudi Arabia,તા.21
સાઉદી અરબનાં ‘સ્લીપીંગ પ્રિન્સ’ના નામથી મશહુર 35 વર્ષિય અલ-વલીદ બિન ખાલીદ અલ સાઊદનુ શનિવારે નિધન થઈ ગયુ છે. તે લગભગ 20 વર્ષથી કોમામાં હતા. શાહી કાર્યાલયે રવિવારે આ માહિતી આપી હતી.
રાજકુમારના અંતિમ સંસ્કાર માટે રવિવારે રિયાધ સ્થિત ઈમામ તુર્કી બિન અબ્દુલ્લા ગ્રાન્ડ મસ્જીદમાં પ્રાર્થનાસભા આયોજીત કરાઈ હતી.રાજકુમારનાં પિતા ખાલીદ બિન જલાલે એકસ પર પુત્રના નિધનની જાણકારી આપી હતી. તેમણે 20 વર્ષ સુધી જીવનરક્ષક પ્રણાલી બંધ કરવાનો ઈન્કાર કર્યો હતો અને તેને વિશ્વાસ હતો કે તેનો પુત્ર કોમામાંથી બહાર આવી જશે.
ઉલ્લેખનીય છે કે, સમયાંતરે પ્રિન્સ સ્વસ્થ થઈ રહ્યાની અફવાઓ ઉડતી હતી. પણ કયારેય તેની પુષ્ટિ નહોતી થઈ. પ્રિન્સ અલ વલીદ 15 વર્ષની વયમાં બ્રિટનની એક સૈન્ય કોલેજમાં અભ્યાસ દરમ્યાન એક માર્ગ અકસ્માતનો શિકાર બન્યા હતા તે અકસ્માતમાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ તે કોમામાં હતા. તેમની સારવાર અમેરિકા અને સ્પેનના સ્પેશ્યાલીસ્ટ કરી રહ્યા હતા.