Rajkot. તા.28
ઓમ નગર સર્કલ પાસે કારમાં દારૂની મહેફિલ માણી રહેલા મેટાડાના બે અને રાજકોટના એક સહિત 3 શખ્સને એલસીબી ઝોન-2 ની ટીમે ઝડપી લીધા હતાં. પોલીસે દારૂની બે બોટલ અને કાર સહિત કુલ રૂ।,2,50,600નો મુદામાલ કબજે કરી ત્રણેયની પૂછપરછ કરતા ગોંડલ રોડ આંબેડકરનગરમાંથી દારૂ લાવ્યાની કબુલાત આપી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ડીસીપી રાકેશ દેસાઈની રાહબરી હેઠળ એલસીબી ઝોન 2ના પીએસઆઇ આર.એચ.ઝાલા તથા તેમની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઓમનગર સર્કલ પાસે બાલાજી કાર કન્સ્ટલન્સીની સામે રોડ પર શંકાસ્પદ કાર જોવા મળી હતી. પોલીસે તપાસ કરતા જીજે 13 સીબી 7463 નંબર પ્લેટ વાળી કારમાં 3 શખ્સો વિદેશી દારૂ ઢીંચતા પકડાયા હતા.
પોલીસે તેમના નામ પૂછતાં વિક્રમ મંડળ ખૂંટી (ઉ.વ 43 રહે મેટોડા જીઆઇડીસી અંજલી પાર્ક), બાબુ કાળુ પરમાર (ઉ.વ 28 રહે મેટોડા જીઆઇડીસી ગેટ 1) અને અલ્પેશ રમેશ તાળા(ઉ.વ 42 રહે. સુભાષનગર) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બે બોટલ મળી આવી હતી. રૂ।.600ની કિંમતની બે દારૂ બોટલ, રૂ।.2.50 લાખની કાર તેમજ બાઇટિંગ સહિત કુલ રૂ।,2,50,600 નો મુદામાલ કબજે કરી ત્રણેય સામે પ્રોહિબિશનનો ગુના નોંધ્યો હતો.
આરોપીની પુછતાછ કરતા મેટોડામાં રહેતા બંને શખસોશખ્સો ત્યાં કંપનીમાં નોકરી કરે છે.રાજકોટમાં રહેતા મિત્ર અલ્પેશને મળવા આવ્યા હતાં.બાદમાં ગોંડલ રોડ પર આંબેડકરનગરમાંથી દારૂની બોટલ લાવી ત્રણેય કારમાં મહેફિલ માણી રહ્યા હતાં. કાર અલ્પેશની હોવાનું માલુમ પડયું છે.