Upleta. તા.23
ઉપલેટાના મેખાટીંબી ગામમાં ટેલિફોન એક્સચેન્જમાંથી રૂ.1.91 લાખની મતાની ચોરી થતાં પોલીસ દોડતી થઈ હતી. તસ્કરો ટુજી બીટીએસ મશીનના ત્રણ કાર્ડ,કેબલ સહિતનો મુદ્દામાલ તસ્કર ચોરી કરી ભાગી ગયાં હતાં.
બનાવ અંગે ઉપલેટામાં જુના પોરબંદર રોડ પર રહેતા નવનીતભાઈ કેશુભાઈ દુધરેજીયા (ઉ.વ.55) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સબ ડીવીઝન એન્જીનિયર તરીકે જુન-2024 થી ફરજ બજાવે છે. તેઓને ઉપલેટા સિવાય ધોરાજી, જામકંડોરણા વધારાના ચાર્જમાં ફરજ બજાવવાની રહે છે.
ગઈ તા.21 ના તેઓ રજા ઉપર હોય ત્યારે તેમના જુનિયર એન્જીનિયર દુખતભાઈ બુધેલીયાનો સાંજના સમયે ફોન આવેલ કે, મેખાટીંબી ગામે ગઇકાલે વહેલી સવારે એક થી બે વાગ્યાની આસપાસ ટેલીફોન એક્સ્ચેન્જમાં ચોરી થયેલ છે .
અને ટેલીફોનિક એક્સચેન્જ દેખરેખ રાખવા માટે કોન્ટ્રાકટ આપેલ તે કર્મચારી ધર્મેસભાઈ ચાવડાને સાંજના તપાસ કરવા જણાવતા તેને જોયુ તો ટેલીફોનિક એક્સચેન્જ જવા માટેની લોખંડની ઝાળી અને ત્યારબાદ લાકડાનો દરવાજો બંધ હાલતમાં હતો. અંદર પ્રવેશતા જનરેટરના રૂમમા લાગેલ લોખંડનુ ઝાળી વાળુ શટર તોડી અંદર પ્રવેશી ટુ જી મોબાઇલ ટાવરની સીસ્ટમ જ્યા લાગેલી હતી તે રૂમમા આંકડીયાને કટ્ટર જેવા મશીનથી તોડી અંદર ઘુસી ગયેલ હતાં.
જેમાં ટુજી બીટીએસ મશીનના ત્રણ કાર્ડ જેમાં એક ટી.જી.ટી ની કિંમત રૂ. 64,618 અને એક એ.એન.સી. રૂ.49,113 તેમજ એક ટી.આર.ઈ. રૂ. 64,618 વાળા ત્રણ કાર્ડ સિસ્ટમમા હતા નહી, જે કવરેજને સપોર્ટ કરવા માટે વપરાઈ છે તેમજ ટુ.જી. સિસ્ટમમાથી ટાવર સુધી જતા આરએફ ફીડર કેબલ નંગ-9, 90 મીટર રૂ. 13,500 જે તમામ મુદ્દામાલ મળી રૂ.1,91,849 નો મુદ્દામાલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ઉપલેટા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.