Rajkot, તા. 11
રાજધાની દિલ્હીમાં ગઇકાલે થયેલા બોમ્બ ધડાકાના પગલે પુરા ગુજરાતમાં પોલીસ એલર્ટ થઇ છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સુરક્ષા તંત્ર સાબદુ બન્યું છે. સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ યાત્રાધામો દ્વારકા, સોમનાથ સહિતના જિલ્લાઓમાં હાઇવેથી માંડી હોટલો સુધી સઘન ચેકીંગ શરૂ કરાયું છે. તો મંદિરોની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
દ્વારકા શહેર અને હાઇવે પર, સમુદ્ર કાંઠે, રેલવે અને બસ સ્ટેશન પર શંકાસ્પદ વાહનો અને શખ્સોની ઝડતી લેવાઇ રહી છે. રાજકોટ રેન્જ આઇ.જી. અશોક યાદવે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ સહિતની એજન્સીઓ સતર્ક છે. થોડા દિવસોમાં જ્યાં ધર્મ સ્થળો સહિતના જે ગેરકાયદે દબાણો હટાવાયા છે. તે શહેરો વિસ્તારો, લાગુ શખ્સો પર વોચ ગોઠવવામાં આવી છે. એલસીબી, એસઓજીની ટીમો ભુતકાળની શંકાસ્પદ પ્રવૃતિના રેકોર્ડ પરથી પણ તપાસ કરી રહી છે.
લોકોને શંકાસ્પદ પ્રવૃતિની જાણ કરવા અને અફવાથી દુર રહેવાની અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, બાતમીદારોને સતર્ક કરાયા છે. વાહનો ચેક કરવા જાહેર સ્થળોથી માંડી હાઇવે પર ચેકીંગ ચાલુ છે. ઇ-નેત્રમ અને અન્ય મિલ્કતોના સીસીટીવી કેમેરા પણ ચેક કરાઇ રહ્યા છે.
દ્વારકા-ખંભાળીયા
દિલ્હીના લાલ કિલ્લા પાસે ગઈકાલે સોમવારે પાર્ક કરવામાં આવેલી એક મોટરકારમાં થયેલા ભયાનક બ્લાસ્ટના પગલે સમગ્ર ગુજરાત સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. આના પગલે સમગ્ર જિલ્લામાં પોલીસની જુદી જુદી ટુકડીઓએ વિવિધ પ્રકારે ચેકિંગ કાર્યવાહી કરી હતી.
દિલ્હી સ્થિત લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજના સમયે કારમાં થયેલા બ્લાસ્ટની ઘટનાના પગલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે સાંજથી પોલીસ તંત્રએ પણ એલર્ટ થઈને સધન ચેકિંગ કાર્યવાહી કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સીધી દેખરેખ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા (એલસીબી), એસઓજી, મરીન પોલીસ તેમજ તમામ તાલુકાઓની જુદી જુદી સ્થાનિક પોલીસની ટુકડીઓએ સાર્વત્રિક ચેકિંગ કાર્યવાહી કરી હતી. જેમાં ખાસ કરીને અહીં આવતા-જતા વાહનોના ચેકીંગ ઉપરાંત તમામ હોટલોના રજીસ્ટર ચેક કર્યા હતા. જિલ્લાના રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપરાંત મહત્વની એવી દરિયાઈ જેટી પર પણ પોલીસ દ્વારા ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
આટલું જ નહીં, શંકાસ્પદ મનાતી વ્યક્તિઓની પૂછપરછ કરી અને આ અંગેના રિપોર્ટ પણ કરાયા હતા. વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં પણ તત્વો દ્વારા કોઈ આતંકવાદી પ્રવૃત્તિને અંજામ ન આપી શકાય તે માટે સ્થાનિક પી.આઈ. તેમજ તેમની ટીમ દ્વારા મંદિર ઉપરાંત રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ સધન ચેકિંગ ઝુંબેશ આદરી હતી. જોકે હાલ કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળી ન હતી. પોલીસની આ ઝુંબેશ આગામી સમયમાં પણ જારી રહેશે તેમ પણ જાણવા મળ્યું છે.
ઉના
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટ અને તેમાં 11 લોકોના મોતની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે, ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં પણ સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી, ઉના પી.આઈ. ચૌહાણ અને તેમના સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ત્રિકોણબાગ, ટાવર ચોક અને વડલા ચોક સહિતના સ્થળોએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
શહેરમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાતરી કરવાનો છે.આ અંગે પી.આઈ. ચૌહાણે જણાવ્યું હતું કે, હાલ શહેરી વિસ્તારમાં ચેકિંગ ચાલી રહ્યું છે અને અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી આવ્યા નથી.જોકે, સુરક્ષાના ભાગરૂપે આ ચેકિંગ ચાલુ રહેશે.
વાંકાનેર
ગઇકાલે સાંજના સમયે દિલ્હીમાં કારમાં શંકાસ્પદ બ્લાસ્ટને પગલે ગુજરાત પોલીસ પણ એલર્ટ મોડમાં આવી છે, જેના પગલે વાંકાનેર પંથકમાં પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે જાહેર માર્ગો પર સઘન વાહન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હોટલો પણ ચેકીંગ શરૂ કરાયું છે. તેમજ જા હેર સ્થળ બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, હાઇવે સહિતના વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે.
ભાવનગરમાં ડોગ સ્કવોર્ડ દ્વારા સઘન ચેકીંગ
દિલ્લીમાં કારમાં થયેલ બ્લાસ્ટ અનુસંધાને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તમામ શહેરોના પોલીસ વડાઓને સઘન બંદોસ્ત તેમજ ચેકીંગ હાથ ધરવાની સુચનાઓ આપવામાં આવી છે.
જે અનુસંધાને ભાવનગર એસ.ઓ.જી., ક્વીક રિસ્પોન્સ ટીમ, ડોગ સ્કવોર્ડની ટીમો તેમજ થાણા અધિકારીની જુદી જુદી ટીમો દ્વારા સંવેદનશીલ વિસ્તારો, રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ ડેપો, હિમાલીયા મોલ, ડિ માર્ટ તેમજ અન્ય સ્થળો ઉપર સ્નિફર ડોગ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમજ રસ્તે જતા શંકાસ્પદ વાહન ચાલકોનું પણ સતત મોનીટરીંગ કરવામાં આવ્યું છે. થાણા અધિકારી તેમજ પોલીસ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા ભાવનગર જિલ્લા પોલીસ અધિકક્ષક દ્વારા જણાવાયું છે.

